પાલનપુર જકાતનાકા ખાતે સ્તનપાન બાદ બેભાન થયેલી બાળકીના પરિવારે 108ની કામગીરી સામે ફિટકાર વરસાવ્યો

સુરત:

સુરત શહેરના પાલનપુર જકાતનાકા ખાતે સ્તનપાન બાદ બેભાન થયેલી ત્રણ દિવસની બાળકીના પરિવારે 108ની કામગીરી સામે ફિટકાર વરસાવ્યો હતો. બાળકીની તબિયત લથડતાં પરિવારે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જેમાં બાળકીના પરિવારે સારવાર માટે મેડિકલ કોલેજ જવાનું કીધું હતું. પરતું 108ના કર્મી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા પરિવારે નવી સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ આખરે બાળકીના પિતાએ નવી સિવિલ હોસ્પિટલમાં જ આત્મહત્યા કરી લેવાની ચીમકી આપતાં 108 એમ્બ્યુલન્સના કર્મીએ બાળકીને મેડિકલ કોલેજ લઈ ગયા હતા.

બાળકીના પરિવારે સારવાર માટે મેડિકલ કોલેજ જવાનું કીધું પરતું 108ના કર્મી નવી સિવિલમાં લઈ આવતા હોબાળો મચાવ્યો

નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગરમાં મોહમ્મદ સાહિદ અન્સારી પત્ની ખુશ્બુ તેમજ બે સંતાન સહિતના પરિવાર સાથે રહે છે અને સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પત્ની ખુશ્બૂને ગર્ભ હતો. જેથી સ્મીમેર મેડિકલ કોલેજમાં તેણીની સારવાર ચાલી રહી હતી. ત્રણ દિવસ પહેલા ખુશ્બુએ બાળકીને જન્મ આપ્યો હતો. જેથી પરિવારમાં પહેલી દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ ગુરુવારે સાંજે ખુશ્બૂને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

દરમિયાન શુક્રવારે વહેલી સવારે ખુશ્બુએ દીકરીને સ્તનપાન કરાવીને સુવડાવી દીધી હતી. ત્યારબાદ 9 વાગ્યાના અરસામાં પરિવારે તેને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરતું તે ઉઠી નહિ હતી. જેથી પરિવારે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જેથી 1920 નંબરની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેથી પરિવારે 108ના ઈએમટીને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે જવાનું કહ્યું હતું. તેમ છતાં 108ના કર્મીએ બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. જેથી પરિવાર વિફરી ગયો હતો અને 108 એમ્બ્યુલન્સ ની કામગીરી સામે સવાલો ઉભા કરીને ફિટકાર વરસાવ્યો હતો. ત્યારબાદ બાળકીના પિતા સાહિદે ફરી 108માં કોલ કરીને 108 એમ્બ્યુલન્સ નહિ આપો તો નવી સિવિલ હોસ્પિટલમાં આત્મહત્યા કરી લેવા તેમ ચીમકી આપી હતી. જેથી તે જ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલથી સ્મીમેર મેડિકલ કોલેજમાં લઈને ગઈ હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)