પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેરિયર કાર્યક્રમ

જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા આદર્શ વિદ્યાલય વડગામ ખાતે કેરિયર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના કુલ 69 વિદ્યાર્થીઓએ RIASEC ટેસ્ટ આપ્યો હતો.RIASEC ટેસ્ટ એક વ્યક્તિની રુચિઓ, કુશળતા અને વ્યક્તિત્વના આધારે તેના માટે યોગ્ય કેરિયર પસંદ કરવામાં મદદ કરતો એક સાધન છે.

આ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવામાં મદદ મળે છે અને તેઓ પોતાના માટે યોગ્ય ક્ષેત્ર પસંદ કરી શકે છે.આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછીના વિવિધ અભ્યાસક્રમો અને કેરિયર વિકલ્પો વિશે માહિતી આપી હતી.

આ ઉપરાંત, તેમણે વિદ્યાર્થીઓને RIASEC ટેસ્ટના પરિણામોના આધારે કેવી રીતે કેરિયર પસંદ કરવું તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.કાર્યક્રમના અંતમાં, કેરિયર કાઉન્સેલરોએ દરેક વિદ્યાર્થી સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરીને તેમને કાઉન્સેલિંગ આપ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે અને તેમને પોતાનું ભવિષ્ય બનાવવા માટે એક નવી દિશા મળી છે.

અહેવાલ :- બ્યુરો,(પાલનપુર)