સુરત :
સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેંજે પાસ પરમિટ વગર વહન કરાતા ખેરના લાકડાં ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકના ડ્રાઈવરની પૂછતાછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાં સંગ્રહ કરાયેલું 5.13 કરોડ રૂપિયાની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાંનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત 16 જૂનના રોજ ખેરનાં લાકડાં ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી હતી. ટ્રક ડ્રાઈવરની પૂછતાછ કરાતા તેણે ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વીતેલા ચાર વર્ષથી આ વેપલો કરી રહ્યો હોવાનું જણાવતા વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડયા હતા. જ્યાંથી તેઓને 2055 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 5.13 કરોડ રૂપિયા થાય છે.
વન વિભાગે લાકડું જપ્ત કરી ડેપો મેનેજર આરીફઅલી અમજલઅલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેની સામે લાકડાં ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરાયા હતા. બીજી તરફ આરીફઅલી મકરાની સાથે ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)