ભેસ્તાન વિસ્તારમાં રહેતા બુટલેગર યુનુસ ઉર્ફે ટેલી જાહેર રસ્તા ઉપર અન્યની સાથે ઝઘડો કરતો હતો, ત્યારે પોલીસે તેને પકડીને લઇ જવાની કોશિષ કરતાં બુટલેગરે પોતાની સ્કોર્પિયો કાર લઈને પીસીઆર વાનની ટક્કર મારી હતી. પોલીસ વાનમાં બેઠેલા સ્ટાફને મારી નાંખવાના ઈરાદે કાર ચડાવી દેવાના મામલે હત્યાની કોશિષ મુજબ ગુનો નોંધ્યો હતો. બીજીતરફ ભાગી છુટેલા ટેણીની કારને દમણ ખાતેના ગેરેજમાંથી કબજે કરી હતી. તેમજ પોલીસ ચોપડે પંકાયેલા ટેણીને ભેસ્તાન સ્ટેશનથી પકડીને કસ્ટડી ભેગો કરી દીધો હતો.
ભેસ્તાન પોલીસના જણાવ્યા મુજબ
ઉન પાટિયા નજીક આવેલા હયાતનગર પાસે માથાભારે તરીકે પંકાયેલા બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી પઠાણ જાહેર રસ્તા ઉપર કોઈની સાથે ઝથડો કરતાં લોકટોળું એકત્ર થયું હતું. દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટાફના એએસઆઈ રિતેશ મોહનભાઈ, પો.કો. ગુંજન સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં પોલીસે જાહેરમાં બખેડો નહીં કરીને યુનુસને પોલીસ મથકે લઈ જવા કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે તેણે પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનીને પોતાની કાળા રંગની સ્કોર્પિયો કાર (જીજે -૫ આરવી ૦૨૭૮)ને બેફામ રીતે હંકારીને પોલીસકર્મીઓની વાનને મારી નાંખવાના ઇરાદે ધડાકાભેર ટક્કર મારી હતી, તેમજ ફરીવાર રિવર્સ લઈને પીસીઆર વાનને પાછળથી ટક્કર મારી હતી. આ બનાવમાં વાનને રૂ. ૨૫,૦૦૦નું નુકસાન પહોંચાડીને ભાગી છૂટયો હતો