પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ.

પ્રભારી મંત્રીશ્રી એ ‘ન્યુ ગુજરાત પેટર્ન ૨૦૨૪-૨૫’ યોજના અંતર્ગત કુલ રૂ. ૩૫૫૧ લાખથી વધુની સૂચિત જોગવાઈના ૭૦૧ કામોને બહાલી આપી

આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ના અમલ અંગે મંત્રી શ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી ‘ન્યુ ગુજરાત પેટર્ન ૨૦૨૪-૨૫’ યોજના અંતર્ગત પ્રોજેક્ટના નિર્માણકાર્ય, કામગીરી અને વ્યવસ્થાપનની વિગતવાર સમીક્ષા કરીને જિલ્લા શાખા અધિકારીશ્રીઓ સાથે વ્યવસ્થાની ચર્ચા કરી હતી. જેમાં નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં અંદાજિત રૂ. ૩,૫૫૧.૩૨ લાખની જોગવાઈ સામે અંદાજિત રૂ. ૪,૧૦૮.૯૩ લાખના ૭૦૧ કામોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ બહાલી આપી છે.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રીએ જિલ્લામાં ગ્રામ વિકાસ, માર્ગ અને પુલ, પાણી પુરવઠો, નાની સિંચાઈ, વિસ્તાર વિકાસ, તબીબી અને જાહેર આરોગ્ય, પાક વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યદ્યોગ, વન નિર્માણ, મધ્યાહન ભોજન, પોષણ, સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, શ્રમ અને રોજગાર, ઉર્જા વિકાસ, ગ્રામ્ય અને લધુ ઉદ્યોગ, નાગરિક પુરવઠો, સહકાર ક્ષેત્રના અનેક કામો અને યોજનાઓ અંગે ચર્ચા કરી વિગતવાર માહિતી આપી હતી.આ અંગે પ્રભારી મંત્રીશ્રીએ ફળદાયી ચર્ચા કરી વર્ષ ૨૦૨૩-૨૪ ના પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ થાય તે માટે જે તે વિભાગ દ્વારા ઘટતી પ્રક્રિયા હાથ ધરવા તેમજ યોજના હેઠળ ફાળવેલી ગ્રાન્ટના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં વલસાડ લોકસભા વિસ્તારના સાસંદ શ્રી ધવલ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી નરેશ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી સહિતના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: આરીફ શેખ (નવસારી)