પ્રભાસપાટણમાં ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી — નારી સશક્તિકરણ માટે જુડો-કરાટેના દાવપેચ સાથે કાયદાકીય જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ.

ગિર સોમનાથ જિલ્લાના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત પ્રભાસપાટણના અધ્યાપન મંદિર ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કરવામાં આવી.
આ ઉજવણી હેઠળ મહિલા સુરક્ષા, કાયદાકીય જાગૃતિ અને આત્મસંપન્નતાના મુદ્દે વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

ઘરેલુ હિંસા અધિનિયમ–2005 અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેમિનાર યોજાયો હતો જેમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી એસ.એ. રાઠોડ દ્વારા મહિલાઓની સર્વાંગી વિકાસ અને સમાજમાં ગૌરવભેર સ્થાન મેળવવા માટેની યોજનાઓ તેમજ અધિકારીઓની ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેમ કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, પુનઃલગ્ન સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે જ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી જુડો-કરાટેના દાવપેચ અને સ્વરક્ષણ તાલીમનું પ્રસ્તુતિકરણ થયું.

પ્રભાસપાટણ મહિલા પોલીસ સ્ટેશનના પઢીયાર મેડમ અને સ્ટાફ દ્વારા ‘શી-ટીમ’ની કામગીરી, સ્વરક્ષણ તથા વડીલ નાગરિકોની સુરક્ષા માટેના પ્રયાસો અંગે ચર્ચા કરી.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના વકીલ બકૂલાબેન અને પ્રકાશભાઈ મકવાણાએ ઘરેલુ હિંસા અધિનિયમના કાયદાકીય પાસાઓને સરળ ભાષામાં સમજાવ્યા.

૧૮૧ મહિલા અભયમના કાઉન્સેલર સંતોકબેન દ્વારા આ હેલ્પલાઇનની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યાં.
સખી વન સ્ટોપ સેન્ટર તથા પોલીસ સ્ટેશન આધારિત સપોર્ટ સેન્ટરની સેવાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપી મહિલાઓને સશક્ત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ