પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી બન્ને રસાયણ મુક્ત ખેતી પદ્ધતિઓ છતા ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે ઘણું અંતર

પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીની પદ્ધતિઓ પર્યાવરણની જાળવણી અને ટકાઉ ખેતીના સિદ્ધાંતો પર આધારિત છે, પરંતુ તેમની કાર્યપદ્ધતિ અને અભિગમમાં નોંધપાત્ર તફાવતો છે
ખાસ લેખ

ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, તે દિશામાં પરિણામલક્ષી પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતો રાસાયણિક ખેતીથી થતા ગેરફાયદા અને પ્રાકૃતિક ખેતીથી મળતું કૃષિ ઉત્પાદન વચ્ચે ખૂબ મોટું અંતર હોવાનું જણાવે છે. રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ થતો હોય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં નહિવત ખર્ચે કૃષિ પેદાશોનું ઉત્પાદન કરી શકાય છે.

આજે પણ ઘણા લોકોની જાગૃતતાના અભાવે ઘણીવાર ઓર્ગેનિક ખેતીને જ પ્રાકૃતિક કૃષિ માની લેવામાં આવે છે. પરંતુ, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે ઘણું અંતર છે. પ્રાકૃતિક કૃષિ એટલે પ્રકૃતિના જતન સાથે થતી ખેતી અને શૂન્ય ખર્ચ. પ્રાકૃતિક ખેતી ની વાત કરીએ તો પ્રકૃતિનું શોષણ ન કરતા કુદરતી સ્ત્રોત ના જતનની વાત કરે છે. જેમાં કૃષિ રસાયણોનો વપરાશ હોતો નથી. પ્રાકૃતિક ખેતીને આપણે ઓછા ખર્ચની ખેતી પણ કહી શકીએ જેના મૂળભૂત સિદ્ધાંતો મુજબ ખેડૂતે બહારના સંસાધનો વાપરવાના થતા નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો થતો નથી. આ ખેતીમાં ખેતરમાંથી પકવેલા અને દેશી સુધારેલ બિયારણોની ખેતી કરવામાં આવે છે. પાકને જરૂર મુજબની વ્યવસ્થા અન્વયે ગાયના ગોબર અને ગૌમૂત્ર, અળસિયા ની પ્રવૃત્તિ દ્વારા, લીલા પડવાશ જેવી વ્યવસ્થા દ્વારા ખેતી કરવામાં આવે છે.


પ્રાકૃતિક ખેતીમાં નીંદણના પ્રશ્નો નહિવત રહે છે, ભેજ લાંબો સુધી લાંબા સમય સુધી જળવાઈ રહે છે, પિયત ઓછું આપવું પડે છે અને અળસિયાની કાર્યક્ષમતામાં પણ અનેક ગણો વધારો થતો જોવા મળે છે. સાથે સેન્દ્રીય કચરો સડી જતા સેન્દ્રીય કાર્બનમાં પણ આ ખેતી થકી વધારો થતો જોવા મળે છે. પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પર વધારે ધ્યાન આપવામાં આવે છે આમ પ્રાકૃતિક ખેતી માં ખર્ચ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે.પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી બન્ને રસાયણ મુક્ત ખેતી પદ્ધતિઓ છે, જે કુદરતી સંસાધનોના જતન પર ભાર મૂકે છે. આ બંને પદ્ધતિઓ પર્યાવરણની જાળવણી અને ટકાઉ ખેતીના સિદ્ધાંતો પર આધારિત છે, પરંતુ તેમની કાર્યપદ્ધતિ અને અભિગમમાં નોંધપાત્ર તફાવતો છે. પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચની ખેતી તરીકે કહી શકાય છે.

આ પદ્ધતિમાં બહારના કોઈ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખેડૂતો ગાયના ગોબર-મૂત્ર, જીવામૃત, અને બીજામૃત જેવા કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરે છે.
પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં તફાવતતો જોવા મળી શકે છે. જેમાં ઓર્ગેનિક ખેતીમાં ઓર્ગેનિક ખાતરો જેવા કે છાણીઓ ખાતર, વર્મી કમ્પોસ્ટ જેવા ખાતરોનો ઉપયોગ થાય છે અને બાહ્ય સ્ત્રોતમાંથી ખેતીની જમીનમાં ઉમેરવામાં આવે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાઓની સંખ્યા જમીનમાં વધારવામાં આવે છે. ઓર્ગેનિક ખેતીમાં કૃષિ પદ્ધતિની જરૂર છે. જેમકે ખાતરનું મિશ્રણ, નિંદણ વ્યવસ્થા, ખેડાણ વગેરે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં કોઈ કૃષિ પદ્ધતિની જરૂર નથી જેમાં કોઈ ખાતર નથી ઉપરાંત બિનજરૂરી નિંદણ વ્યવસ્થાપન માટે આંતરપાક, મિશ્ર પાક તેમજ આચ્છાદન વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત જમીનને નહિવત પ્રમાણમાં ખેડવામાં આવે છે જેનાથી જમીનમાં સૂક્ષ્મ જીવો ની વૃદ્ધિ મહત્તમ થઈ શકે છે.


ઓર્ગેનિક ખેતીમાં બાહ્ય સ્ત્રોત તરીકે કાર્બનિક ખાતરોની જરૂરિયાતને કારણે તે મોંઘુ છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં કોઈ બાહ્ય સ્ત્રોત નથી અને અત્યંત ઓછી કિંમતની ખેતી પદ્ધતિમાં સંપૂર્ણપણે સ્થાનિક જૈવ વિવિધતા સાથે જોડાયેલ છે.ઓર્ગેનિક ખેતી આસપાસના વાતાવરણને અસર કરે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી પર્યાવરણને અનુકૂળ અને સ્થાનિક જૈવ વિવિધતાને સારી રીતે અપનાવે છે.રાસાયણિક ખેતીમાંથી ઓર્ગેનિક ખેતીમાં રૂપાંતર માટે ૩-૬ વર્ષનો સમય લાગે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આવો લાંબો સમયગાળો જરૂરી નથી. પ્રાકૃતિક ખેતીનો મોટો ફાયદો એ છે નિયમિત પ્રાકૃતિક ખેતી કરવાથી ત્રણ વર્ષ બાદ જીવામૃતની પણ જરૂર પડતી નથી, જે અનેક અનુભવી ખેડૂતોએ સાબિત કર્યું છે. આ પદ્ધતિ ખેડૂતોને આર્થિક સ્વાવલંબ તરફ દોરી જાય છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)