રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરક સંબોધન :
પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને દેશ અને દુનિયાના કલ્યાણ માટે સતત રિસર્ચ કરવા આહ્વાન : રિસર્ચથી પ્રાકૃતિક કૃષિમાં વધુ આયામો જોડાશે અને ખેડૂતોનું કલ્યાણ થશે
પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બનશે અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સમગ્ર દેશમાં એક મજબૂત સંદેશ આપશે
વિદ્યાને પોતાના માટે સિમિત ન રાખતાં તેને સતત પરિસ્કૃત કરીને સમાજના કલ્યાણ માટે વહેંચવા રાજ્યપાલશ્રીનો અનુરોધ
કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યાશાખામાં ૬૭ ગોલ્ડ મેડલ સાથે ૫૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત
રાજયપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યાશાખામાં ૬૭ ગોલ્ડ મેડલ સાથે ૫૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતાં તેમના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું કે, વિદ્યા પ્રાપ્તિ માટે ભારે તપસ્યા અને મહેનત બાદ પદવી પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્ર વચ્ચે જઈ રહ્યા છો, ત્યારે સત્યના આચરણ અને વ્યવહાર સાથે ધર્મ-કર્મ એટલે કે પોતાના માટે જે ઈચ્છીએ છીએ તે અન્ય માટે પણ ઇચ્છીએ. જવાબદારીપૂર્વક કર્મ કરવાને રાજ્યપાલશ્રીએ ધર્મનું લક્ષણ ગણાવ્યું હતું.રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને આજીવન વિદ્યા પ્રાપ્ત કરતા રહેવા અને અને વિદ્યાને પોતાના માટે સિમિત ન રાખતાં તેને સતત પરિસ્કૃત કરીને સમાજના કલ્યાણ માટે વહેંચવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ-પ્રકૃતિ રક્ષણ માટે ઉચિત યોગદાન આપી માનવીય ગુણોને સતત વિકસિત કરવા પ્રાધાન્ય આપજો. તેમ પણ જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિની હિમાયત કરતાં કહ્યું કે, ૧૯૬૦ના દશકમાં જ્યારે હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે એક એકરમાં ૧૩ કિલોગ્રામની રાસાયણિક ખાતર નાખવા માટેની ભલામણ હતી, પરંતુ આજે રાસાયણિક ખાતરના અંધાધુંધ ઉપયોગથી જમીન સખત અને બિન ઉપજાઉ બની રહી છે, સાથે જ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના જમીન અને પાકમાં અતિરેકભર્યા ઉપયોગથી લોકો ગંભીર રોગોના ભોગ પણ બની રહ્યા છે. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટને ટાંકતા કહ્યું કે, આગામી ૪૦-૫૦ વર્ષ સુધી કૃષિની આ જ સ્થિતિ રહી તો જમીન બિન ઉપજાઉ બની જશે.રાજ્યપાલશ્રીએ કહ્યું કે, રાસાયણિક કૃષિથી જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટ્યો છે, એક સમયે ૨.૫ કેટલો ઓર્ગેનિક કાર્બન હતો જે આજે ઘટીને ૦.૫ થી નીચે આવી ગયો છે. આ સ્થિતિમાંથી બહાર આવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિ માટે મિશન શરૂ કર્યું છે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકોનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે સાચું નેતૃત્વ વિદ્યાર્થીઓએ કરવાનું છે, તેમણે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને દેશ અને દુનિયાના કલ્યાણ માટે સતત રિસર્ચ કરવા માટે કરવા અનુરોધ પણ કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ પરના રિસર્ચથી પ્રાકૃતિક કૃષિમાં વધુ આયામો જોડાશે અને ખેડૂતોનું કલ્યાણ પણ થશે. આ સાથે તેમણે ગુજરાત સરકાર અને રાજ્યની ચાર યુનિવર્સિટીઓએ આ દિશામાં કામ શરૂ કર્યું હોવાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક અને જૈવિક કૃષિના ભેદને સ્પષ્ટ કરતાં કહ્યું કે, જૈવિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને મહેનત ઘટતી નથી, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં કોઈ ખર્ચ રહેતો નથી, જેવી રીતે જંગલમાં વૃક્ષો વનસ્પતિનો વિકાસ થાય છે તે જ રીતે પ્રાકૃતિક ખેતી કુદરતના નિયમોને અનુસરે છે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો તથા વૈજ્ઞાનિક સંશોધનો અને તત્વોની છણાવટ કરતાં કહ્યું કે, પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બનશે અને તેનો સંદેશ સમગ્ર દેશમાં આપશે.તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં કૃષિ જે પરિસ્થિતમાંથી પસાર થઈ રહી છે, તેના પર ચિંતનની આવશ્યકતા છે. ગ્લોબલ વૉર્મિંગ આજે વિશ્વનો સૌથી મોટો પડકાર છે અને હવે તેણે પોતાનું વિનાશક રૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે.રાજ્યપાલશ્રીએ વીડિયોના માધ્યમથી રાસાયણિક કૃષિથી થતી હાની અને પ્રાકૃતિક કૃષિથી મિત્ર કીટકોમાં વધારો અને વરસાદી પાણીનું જમીનમાં ઉતરી જવું વગેરે પરિણામોનો વિગતવાર ચિતાર આપ્યો હતો.
આ અવસરે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વર્ચ્યુઅલી હાજર રહી પ્રાસંગિક સંબોધન કર્યું હતું. તેમણે સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલ જ્ઞાન દ્વારા કૃષિ અને ખેતી આધારિત ગ્રામજનોના સર્વાંગી વિકાસમાં ઉપયોગ કરી સાચા અર્થમાં સમાજ અને દેશ પ્રત્યે ઋણ અદા કરવા માટે અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ખેડૂતોના વિકાસ માટે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે યોજનાઓ મંજૂર કરી છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના સંતુલિત વિકાસ માટે તથા વિદ્યાર્થીઓની કૃષિ અભ્યાસ પ્રત્યેની સુરૂચી જોતાં મોરબી ખાતે એક નવી કૃષિ કોલેજ શરૂ કરેલ છે.પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આ ક્ષેત્રે સંશોધન, શિક્ષણ, તેમજ વિસ્તરણ પ્રવૃતીઓને વેગ આપવાની જરૂરિયાત છે. આ માટે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ નેચરલ ફાર્મિંગ રિસર્ચ સેલની યોજના મંજુર કરવામાં આવી છે. તેમ ઉમેર્યું હતું.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ શ્રી ડો. સુકાન્તા કુમાર સેનાપતિએ દીક્ષાંત પ્રવચન આપતાં કહ્યુ કે, દુનિયાના દરેક કાર્યોમાં કૃષિ સૌથી ઉત્કૃષ્ટ કાર્ય છે. ભારત કૃષિ આધારિત દેશ છે ત્યારે કૃષિ દ્વારા કઈ રીતે દેશને આત્મનિર્ભર બનાવી શકીએ, એ દિશામાં પણ ચિંતન કરવા માટે આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પરીપૂર્ણ કરવા અને રાષ્ટ્રહિતમાં યુવાપેઢીને ઉચિત યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, સખત મહેનત, ધૈર્ય જેવા ગુણો કેળવવાની સાથે ભૈાતિક વિકાસની સાથે આધ્યાત્મિક વિકાસ સાધવા ભારપૂર્વક જણાવ્યું હતું.કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટિયાએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની સિદ્વિઓ, કામગીરીથી સૌને અવગત કર્યા હતા. કાર્યક્રમના અંતે રજીસ્ટ્રાર શ્રી વાય.એચ. ઘેલાણીએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડાશ્રી ભગીરથસિંહ જાડેજા, ડિરેક્ટર ઓફ રિસર્ચ એન્ડ ડિન ડો આર. બી. માદરીયા, ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચર પ્રિન્સિપાલ એન્ડ ડિન ડો. પી.ડી.કુમાવત, ફેકલ્ટી ઓફ હૉર્ટિકલ્ચરના પ્રિન્સિપાલ અને ડીન ડો. ડી. કે. વરુ, ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના પ્રિન્સિપાલ અને ડો. એચ.ડી. રાંક ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વડાશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો, ગણમાન્ય નાગરિકો, અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયેલ આ દીક્ષાંત સમારંભમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ- ૬૭ ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તથા ૦૧ (એક) કેશપ્રાઇઝ આપવામાં આવ્યા હતા. તેમજ કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-૫૮૮ વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)