બનાસકાંઠા પાલનપુર
ગુજરાતમાં દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે. એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. આપણા માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં નોધપાત્ર કામગીરી થઇ રહેલ છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજામૃત, જીવામૃત અને ઘનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે.જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી બની છે. પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોને વેચવા માટે યોગ્ય બજાર મળે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત વેચાણ કેન્દ્રો અને એફ.પી.ઑ. પણ કાર્યરત છે. લાખો લોકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોને સ્વીકારીને તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારી છે.પર્યાવરણની જાળવણી અને સંવર્ધનને પ્રોત્સાહન આપતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય કિંમત મળતાં ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
જીલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનુ આયોજન કરવામાં આવી રહેલ છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષમાં દાંતા, દાંતીવાડા,ધાનેરા અને સુઈગામ તાલુકામાં પ્રાકૃતિક કૃષિની તાલીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે ૪૭૮ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તાલીમ પામેલા ખેડૂતો ખરીફ ઋતુમાં પ્રાકૃતિક કૃષિ કરવા માટે કટીબદ્ધ થયા છે.
તાલીમમાં આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ અને તાલુકા સંયોજકોની હાજરી સવિશેષ રહી હતી. પ્રાકૃતિક કૃષિની તાલીમમાં પ્રાકૃતિક ખેતી કરતા અને નવા ખેડૂતો કે જે પ્રાકૃતિક કૃષિ કરવા માંગે છે તેઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ:- ગુજરાત બ્યુરો