પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો તો ગભરાવવાની જરૂર નથી નિમાસ્ત્ર, સુઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ સહિત પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી પાક ઉત્પાદન વધારી શકાય

ગીર સોમનાથ તા.૨૦, ખેડૂત ભાઈઓ શરૂઆતમાં જ્યારે તમે રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતીમાં આવશો તો અમુક તકલીકો આવશે કારણ કે, જમીનનો સેન્દ્રિય કાર્બન ઓછો થઈ ગયેલો છે. જમીન લગભગ બંજર થઈ ચુકી છે. તેથી શરૂઆતમાં પાક ઉપર વધારે રોગ જીવાત આવશે.

તેનું નિયંત્રણ કરવા માટે નિમાસ્ત્ર, સુઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ વગેરે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમાં લીમડો, ધતુરો, આંકડો, ગળો, સિતાફળી જેવી વનસ્પતિઓને ગૌમૂત્રની અંદર સેડવીને તેને ૧૫ થી ૨૦ લીટર પાણીમાં ૨ લીટરના પ્રમાણમાં ઉમેરીને પાક ઉપર છંટકાવ કરો, જેનાથી રોગ જીવાતનું નિયંત્રણ થશે. મહિના જૂની છાશ (લસ્સી)ને પાણીમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરવાથી ફૂગજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે છે. આ છંટકાવ છોડવાઓને તાકાત પણ આપશે અને રોગથી પણ બચાવશે. આવાં બધા જ પ્રકારના પ્રાકૃતિક છંટકાવોને ખેડૂત પોતાના ઘરે જ બનાવી શકે છે, તેના માટે બહુ જ ઓછો ખર્ચ કરવો પડે છે. જ્યારે તમારી જમીનનો સેન્દ્રિય કાર્બન વધી જશે ત્યારે તેનાથી પોતાની મેળે જ રોગો આવતા અટકી જશે.

અત્યારે ગુરુકુળના ૨૦૦ એકર કૃષિ ફાર્મમાં કોઈપણ પ્રકારની પ્રાકૃતિક જંતુરોધક દવાઓ પણ વાપરતા નથી કારણ કે, ખેતરમાં રોગો આવવાના જ બંધ થઈ ગયા છે. જમીન ઉપજાઉ થઈ ગઈ છે. જેનો સેન્દ્રિય કાર્બન ૧.૦ કરતા પણ વધુ થઈ ગયો છે.કોઈપણ ખેતી પાક અથવા ફળઝાડ ઉપર છંટકાવ કરવા માટે ઘરે જ ઓછા ખર્ચવાળી દવા બનાવવાની છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)