બનાસ મેડીકલ કેમ્પનું અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ.

અંબાજી

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમની આજથી શરૂઆત થઇ છે. લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા અંબાજી આવે છે. ભક્તોની સેવામાં વિવિધ સેવા કેમ્પો કાર્યરત છે. જે સેવા કેમ્પો પદયાત્રીઓની સેવા કરી સેવા દ્વારા ભક્તિ કરી રહ્યા છે. આજે વિધાનસભા અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે દાંતા ખાતે બનાસ ડેરીના મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અનેક કેમ્પો લગાવવામાં આવે છે. આજે દાંતા ખાતે બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પમાં મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવેલ છે. જેમાં મલ્ટીપેરા મોનિટર, ઈ.સી.જી. મશીન, ડિફિબ્રીલેટર, ઓક્સિજન, સકશન મશીન, મસાજ માટે વાઈબ્રેટર મશીન, પાટા પિંડીની સગવડ જેવી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત જનરલ ઓપીડી, સર્જીકલ, ઓર્થોપેડિક, મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપનાર છે. જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. પદયાત્રા કરતા પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે. આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડીકલ કેમ્પમાં થાકેલા પદયાત્રીઓ આરામ કરી શકે તેવી સુવિધા છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લાખો ભક્તો માં અંબાના દર્શને આવી રહ્યા છે. પદયાત્રા કરતાં ભક્તોમાં સૌથી વધુ તકલીફ સ્નાયુઓના તણાવની હોય છે ત્યારે તેના માટે બનાસ મેડીકલ કેમ્પમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સેવામાં રાજ્યનું વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ કામે લાગી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વહીવટી તંત્ર દ્વારા મેળા માટે ખાસ વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે. જે બદલ હું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરૂ છું. રાજ્ય તેમજ બનાસના દરેક નાગરિક પર માં અંબાના આશીર્વાદ મળી રહે તેવી પ્રાર્થના કરૂ છું.

આ મેડીકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ મેડીકલ કોલેજના પ્રમુખશ્રી પી. જે. ચૌધરી, બનાસ ડેરીના વાઈસ ચેરમેનશ્રી ભાવાભાઈ રબારી, બનાસ ડેરીના મેનેજીંગ ડિરેક્ટરશ્રી સંગ્રામ ચૌધરી, એકઝ્યુકેટીવ ડિરેક્ટર બ્રિગેડિયર વિનોદ બાજીયા સહીત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)