બનાસકાંઠા
સાંપ્રત સમયમાં કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સીસ્ટમની રચના થકી કરવામાં આવતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખુબ જ પ્રચલિત થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આત્મા અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં કરતા ૪૮૮૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત એફ.પી.ઑ. થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા વર્ષ ૨૦૨૧ થી આજદિન સુધી કુલ ૨,૦૭,૧૩૨ ખેડૂતોએ તાલીમ મેળવી છે. જેમાં વર્ષ મુજબ ક્રમશઃ ૨૨૧૧૧, ૨૯૪૫૯, ૧૩૪૯૪૭ અને વર્ષ ૨૦૨૪ માં જૂન સુધી ૨,૦૭,૧૩૨ ખેડૂતોએ તાલીમ મેળવી છે. તાલીમ મેળવ્યા બાદ અનેક ધરતીપુત્રોએ જમીનની ઉત્પાદકતા વધે તથા જંતુનાશક અને રાસાયણિક ખાતરમુક્ત ખેત પેદાશોને પ્રોત્સાહન આપવા માટે સહર્ષ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો છે. જિલ્લામાં ૪૮૮૭૫ ખેડૂતો ૩૨૮૫૪ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજામૃત, જીવામૃત અને ઘનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી બની છે. આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષ દરમ્યાન ૯૫૨૨ જેટલા ખેડૂતોને કુલ.રૂ. ૨૩૫૧.૮૭ લાખની સહાય મળી છે. આટલું જ નહિ પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોને વેચવા માટે યોગ્ય બજાર મળે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત વેચાણ કેન્દ્રો અને એફ.પી.ઑ. પણ કાર્યરત છે. લાખો લોકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોને સ્વીકારીને તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારી છે.
આમ પર્યાવરણની જાળવણી અને સંવર્ધનને પ્રોત્સાહન આપતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય કિંમત મળતાં ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે માત્ર બનાસકાંઠા જ નહિ પરંતુ દેશના અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને પ્રગતિની કેડી કંડારી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લામાં પ્રાકૃતિક કૃષિના પાંચ(૫) એફ.પી.ઓ. બનાવવામાં આવેલ છે. જેમાં ૨૦૦૦ થી વધુ ખેડૂતો જોડાઈ પ્રાકૃતિક કૃષિ ઉપજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તા.૩૦/૦૬/૨૦૨૪ ના રોજ માન.રાજ્યપાલશ્રીના હસ્તે ભીલડી મુકામે જીલ્લાના પાંચ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.
અહેવાલ:- ગુજરાત બ્યુરો