બાઈ નવાજબાઈ તાતા ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ માં તાલુકાકક્ષાએ કલામહાકુંભ યોજાયો.

દસ્તુરવાડ સ્થિત બાઈ નવાજ બાઈ તાતા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં તારીખ 24- 12- 2024, મંગળવાર, ના રોજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત તાલુકાકક્ષા કલા મહાકુંભ 2024-25 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્ય, વાદન, નૃત્ય, કલા એમ વિવિધ વિભાગોમાં સમગ્ર નવસારી તાલુકાની કુલ. 44 શાળાઓએ 14 પ્રકારની વિવિધ કૃતિઓ જેમ કે વકૃત્વ, નિબંધ, ચિત્રકલા, ગરબા, ભરતનાટ્યમ ,એકપાત્રીય અભિનય, સુગમ સંગીત, સમૂહ ગીત, લોકગીત, ભજન, લોક નૃત્ય,હાર્મોનિયમ, તબલાં, જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હતો.

આ કલા મહાકુંભમાં અલગ અલગ વય જૂથ મળીને લગભગ 280 જેટલા ભાઈઓ અને લગભગ 470 જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓનો પરિચય કરાવી સાચા અર્થમાં શિક્ષણની પરિભાષા સુંદર રીતે વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીયા, નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી થી AEI શ્રી રોહનભાઈ ટંડેલ, તેમજ મધ્ય ઝોન ના ક્લસ્ટર રિસોર્સ કોર્ડીનેટર શ્રી ચંદુભાઈ આહીર ઉદઘાટન સમારોહ માં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સાથે પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીમતી અંજુબેન પરમાર ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ નું સફળતાપૂર્વક આયોજન તેમજ શાળા ના શિક્ષકો તેમજ આચાર્ય શ્રી દ્વારા ખૂબ જ સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રેરણામૂર્તિ સમાન સર રતન તાતા જી ને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી હતી.શાળા ની વિદ્યાર્થિની ઓ દ્વારા સુંદર પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીત ની પ્રસ્તુતિ બાદ મહેમાનોનું સ્મૃતિ ભેટ આપી શાળા ના આચાર્ય શ્રી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.

મહેમાનો ની સ્વાગત વિધિ સંપન્ન થયા બાદ નવસારી તાલુકાકક્ષા કલા મહાકુંભ કાર્યક્રમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેન પટોળીયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો. નવસારી તાલુકાકક્ષા આ કલા મહાકુંભ માં લગભગ 22 જેટલા નિર્ણાયકોની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમની વિવિધ કૃતિઓનું નિષ્પક્ષતાપૂર્વક મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં ઉપસ્થિત દરેક મહેમાનો અને નિર્ણાયકો નું તુલસી નો છોડ અને શાળા ના વિદ્યાર્થી દ્વારા બનાવેલ ગ્રીટિંગ કાર્ડ આપી શાળા ના આચાર્ય શ્રી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતુ.સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવા બદલ શાળા ના આચાર્ય શ્રી હિતેશભાઈ પારેખ ને શ્રીમતી અંજૂબેન પરમાર તેમજ શ્રી હિરેનભાઈ પટોળીયા એ પૂર્ણાહુતિ કાર્યક્રમ માં શાબ્દિક અભિનંદન પાઠવી આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી .

અહેવાલ: આરીફ શેખ (નવસારી)