બીએપીએસ. સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ ખાતે ધામધૂમ પૂર્વક મહિલા સંમેલન ઉજવાયું.

જૂનાગઢ

બીએ પીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ ખાતે આજનો સંપૂર્ણ દિવસ દાકતરી સલાહ અનુસાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ માટે વિશ્રામ દિન હતો. તેઓ માત્ર પૂજા અને દર્શનાર્થે મંદિરમાં પધાર્યા હતા.

આજના સાયંસભાના કાર્યક્રમમાં મુખ્ય સભા મંડપમાં જૂનાગઢ બી.એ.પી.એસ. મહિલા મંડળ દ્વારા આયોજિત ‘મહિલા સંમેલન’ ધામધૂમ પૂર્વક યોજાયું હતું.

આજના ભૌતિકવાદના સમાજમાં જ્યારે સંસ્કારોના તો લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે પ્રત્યેક પરિવાર ને સંસ્કાર અને સત્સંગની અનિવાર્યતા છે. અને દરેક ધર્મસમાજ માટે , સત્સંગ નાં ઊંડાણ માટે, ભગવાને આપેલા ધર્મ અને નિયમ , પરસ્પર સંપ સુહૃદભાવ તથા આંતરિક સમજણના ત્રિવેણી સંગમની જરૂરિયાત છે. તેવા કંઈક બીજ વિચાર સાથે આ મહિલા સંમેલન કાર્યક્રમમાં વિવિધ રજૂઆતો વિડીયો દર્શન, મહિલાઓ,યુવતીઓ,બાલિકા ઓ દ્વારા પેશ કરાઈ હતી.

કાર્યક્રમમાં શિશુ -બાલિકાઓ દ્વારા સ્તુતિ પ્રાર્થના ગાન અને નૃત્ય રજૂ થયું હતું. તો યુવતીઓ દ્વારા મંચ પર બીજ વિચારના આધારે બે કલાસભર નૃત્યો અને સંવાદો સુંદર રીતે પ્રસ્તુત કરાયાં હતાં. આમંત્રિત મહેમાનોનાં હારતોરાથી ભાવભર્યા સ્વાગત બાદ બી.એ.પી.એસ મહિલા મંડળ સૌરાષ્ટ્ર ઝોનના વડા શ્રીમતી ઈલાબેન પટેલે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ જૂનાગઢનાં આંગણે પધારેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં આગમનનું વિડીયો દર્શન કરાવાયું હતું.

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે આ મહિલા સંમેલનમાં મહંત સ્વામી મહારાજ સાથે વિચરતા ઠાકોરજી શ્રી ને પધરાવાયા હતા અને ઉમંગભેર તેમનાં પૂજન આરતી વગેરે વિવિધ વિધિ વડે અને પ્રેમ ભાવ વડે વધામણાં સહુ બાલિકા-યુવતીઓ તથા મહિલા ઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત મહિલા સંમેલનમાં શ્રીમતી ગીતાબેન પરમાર, શ્રીમતી જ્યોતિબેન વાછાણી,શ્રીમતી જ્યોતિબેન કોરડીયા, ગીતાબેન કોટેચા,જ્યોતિબેન દેવમુરારી, CID ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઈ, દેવીબેન માલમ, ગીતાબેન માલમ, કનકબેન વ્યાસ, નિતાબેન દવે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)