બીલીમોરાની માનસિક અસ્થિર મહિલા વલસાડ આવી પહોંચતા સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલન કરાવ્યું.

ખેરગામ

વલસાડ જિલ્લાની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા તા.૧૩/૧૦/૨૦૨૪ના રોજ સાંજે ૪:૫૦ કલાકે વલસાડ રેલવે સ્ટેશન પરથી એક અજાણી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે લાવવામાં આવી હતી. જેથી હંગામી ધોરણે આશ્રય આપી જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી. અજાણી મહિલાનું કાઉન્સેલીંગ કરતા ઘડીકમાં પોતાનું નામ કિયા તો ઘડીકમાં આરૂષી બતાવી રહી હતી. માનસિક સ્થિતી સારી ન હોવાથી કોઈ માહિતી ચોક્કસ રીતે આપી રહી ન હતી.

સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર દ્વારા તા.૧૪/૧૦/૨૦૨૪ના રોજ આશ્રિત મહિલાનું ફરી કાઉન્સેલીંગ કરાતા તેણીએ બીલીમોરા સોમનાથ રેલ્વે કોલોનીના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જે ટ્રેનમાં બેસીને વલસાડ આવી પહોંચી હતી. માતા કૌશલ્યાબેન સોમનાથ મંદિરના બગીચામાં કામ કરે છે. મૂળ ઓરિસ્સાના વતની છે. જેથી વધુ તપાસ માટે સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર દ્વારા બીલીમોરા રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી મહિલા વિશે જાણકારી આપી મહિલાનો ફોટો પણ મોકલ્યો હતો. રેલવે પોલીસે તપાસ કરી જણાવ્યું કે, આ મહિલા બીલીમોરાની રેલ્વે કોલોનીમાં રહેતી આવી છે. તેમના પિતાનો ટેલિફોનિક નંબર પણ આપતા સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, આશ્રિત મહિલા તેમની દીકરી ટીનુ (નામ બદલ્યુ છે) છે. દીકરીની માનસિક સ્થિતિ સારી નથી તેથી ઘરેથી નીકળી જાય છે. સેન્ટરના કર્મચારી દ્વારા તેમના પિતાને વલસાડ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા જેથી માતા પિતા વલસાડ આવી પહોંચતા સખી વન સ્ટોપ સેન્ટરે દીકરીનું માતા પિતા સાથે મિલન કરાવતા તેઓએ રાજ્ય સરકારની સખી વન સ્ટોપ સેન્ટરની સેવાનો આભાર માન્યો હતો.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)