બોટાદ જિલ્લા પોલીસ તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ડૉ. આંબેડકર પ્રાથમિક શાળા નંબર 26માં કાયદાકીય જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

બોટાદ

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બલોલીયા તથા બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ.આઈ.મન્સૂરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ શાળાઓમાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કચેરી તથા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી અને ડૉ. આંબેડકર પ્રાથમિક શાળા નં-26ના આચાર્યશ્રી લલીતભાઈ વાજાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી અને વાલીઓ માટે નવા કાયદા તેમજ મહિલાઓને લગતા કાયદા વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ડીએચઇડબલ્યુના મહેશભાઈ સોલંકી દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં વ્હાલી દીકરી, વિધવા સહાય યોજના સહિતની યોજનાઓ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ શી-ટીમના ગોહિલ સુરપાલભાઈ દ્વારા વિવિધ હેલ્પલાઇન વિશે, પેટ્રોલિંગ વિશે ઉપરાંત શી-ટીમની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ 181ના કાઉન્સેલર પરમાર જલ્પાબેન દ્વારા 181 તેમજ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન મારુ દ્વારા આશ્રય સહાય વિશે તો પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા સંકટ સખી એપ્લિકેશન, પોસ્કો, ઘરેલું હિંસા તેમજ અન્ય મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવાની સાથે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)