જુનાગઢ તા.૧૯, જુનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને જેન્ડર રીસોર્સ સેન્ટર તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અને રાજ્યનાં ઉચ્ચશિક્ષણ અને ટેક્નીકલ વિભાગનાં માર્ગદર્શન તળે બે દિવસય સસ્ટેનિંગ ઇક્વાલિટી થ્રુ યુનિવર્સિટી (SETC)અંતર્ગત જેન્ડર સેન્સીટાઈઝેશન પ્રોગ્રામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે સમાજમાં વ્યાપક જાતિ ભેદના દુષણ તથા મહિલાઓને સામાજિક વિકાસમાં સમાન ન્યાય અને તકો મળી રહે અને તેઓ પોતાના અધિકારો તરફ જાગૃત થાય એ માહિતી આપવાનો હતો.
કાર્યક્રમને દુરવાણીથી શુભકામનાં પાઠવતા ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલયનાં કૂલપતિ પ્રો.અતુલભાઇ બાપોદરાએ શિક્ષિત નારી સમાજની પ્રગતિનું દર્પણ છે. પિતાને ત્યાં શિક્ષણ મેળવેલ કન્યા બે કુળનો દીપક બની, બે ઘરને ઉજાળે છે. ભાવિનાં સંસ્કાર ઘડતરમાં માતા મહત્ત્વનું પરિબળ છે તેથી જો માતા સશકત બને તો આવનારી પેઢી ચોક્કસ પણે સમૃદ્ધ બનશે તેવી વિભાવનાં વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે બે દિવસીય વર્કશોપથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન કોલેજો અને ભવનોમાં અભ્યાસ કરતા યુવાઓ, અધ્યાપકો જેન્ડર સેન્સીટાઈઝેશન પ્રોગ્રામથી નવિ જાણકારી મેળવી મહિલાઓ સામેના ભેદભાવોને પ્રતિબંધિત કરવા વૈદ્યાનિક અને બીજા પગલાં, સ્ત્રીઓને પણ પુરૂષની જેટલા જ કાનૂની અધિકારોનું રક્ષણ મળે એવી કામગીરીમાં સકારાત્મક લાભાપ્રદ બની રહેશે.
જેન્ડર રિસોર્સ સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ માંથી આવેલા અધિકારીશ્રી એડવોકેટ શ્રીજીતેન્દ્રકુમાર વાજાએ દ્વારા (POS) act ૨૦૨૩ તથા જાતિભેદભાવ અને તેની જીવન પર અસરો વિષય ઉપર પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. સામાજિક વિકાસના ક્ષેત્રમાં પ્રવૃત્તિ લક્ષી અભિગમ દ્વારા જાતિ ભેદનાં આયામો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરી નામદાર અદાલતો દ્વારા વિવિધ ચુકાદાઓ અને તેમાં લોકજાગૃતિ અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે સ્પેશયલ પબ્લીક પ્રોસીક્યુટર શ્રી વૈશ્ણવ કિર્તિકુમાર જગજીવનભાઇએ માનવઅધિકાર અંગેના વૈશ્વિક જાહેરનામામાં જાતિય ભેદભાવના તમામ સ્વરૂપોની નાબૂદી ની વાત કરતા જણાવ્યુ હતુ કે કોઈપણ જાત ના ભેદભાવ વગર કાયદા સમક્ષ સમાનતાની ખાતરીમાં માનવી મુક્ત જન્મે છે અને દરેક કોઈપણ જાતના ભેદભાવ વગર ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર ધરાવે છે. સામાજીકણ દ્વારા એકવાર શીખેલા મુલ્યો, ધોરણો, વર્તુણુક, આદર્શો તથા મનોભાવનાઓને જેવી કે દોરી સંચાર, દિશાસુચન, શાબ્દીક વ્યવહાર, અનુભવોથી પરિવર્તન આવશે. વ્યક્તિનાં વ્યક્તિત્વ વિકાસ માટેનાં ગુણોં,વર્તન વ્યવહાર અને કામગીરી નક્કી કરવાની પ્રક્રિયા સામાજીકરણમાં સમાજનાં નિયમોને આધિન વ્યક્તિનાં જન્મથી મૃત્યુ પર્યંત ચાલુ રહેતી બાબતોની વિસ્તૃત જાણકારી આપી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નાં પૂર્વ કૂલપતિ પ્રો.હેમાક્ષી રાવે સસ્ટેનિંગ ઇક્વાલિટી થ્રુ યુનિવર્સિટી (SETC)અંતર્ગત જેન્ડર સેન્સીટાઈઝેશન પ્રોગ્રામ વિચાર બિજને કેન્દ્રમાં રાખી જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારે નારી શકિતનો આદર કરી, સુસંસ્કૃત અને તંદુરસ્ત સમાજની રચનામાં નારી શકિતની અમૂલ્ય ભાગીદારીના મહત્તવને સમજીને, નારી ગૌરવ નીતિ અમલમાં મુકી નારીશકિતનું ગૌરવ વધાર્યું છે. મહિલા સશક્તિકરણ માટે સંકલ્પબધ્ધ ગુજરાતે સમ્રગ સમાજની નારીશકિતને સામર્થવાન બનાવવા સાથે નારીશકિતના સન્માન અને આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા મહિલા સુરક્ષા, ચિરંજીવી યોજના, બેટી બચાવો ઝુંબેશ, મમતા દિવસ, કન્યા કેળવણી રથયાત્રા, નારી અદાલત, કિશોરીઓમાં કુપોષણ મુકિત, ગુજરાત મહિલા આયોગની રચના જેવા તબક્કાવાર પરિણામલક્ષી કદમ ઉઠાવ્યા છે.
રાજયની ગ્રામિણ મહિલાઓ સખી મંડળ, મિશન મંગલમની અભિનવ યોજના દ્વારા ઘરનો ઉંબરો ઓળંગી સ્વરોજગાર થકી અર્થોપાર્જનના માર્ગે આગળ વધી પરિવારનો આર્થિક આધાર બની છે.ભારતમાં મહિલાઓ હવે દરેક પ્રવૃત્તિ જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, સેવાના ક્ષેત્રોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રો વગેરેમાં ભાગીદારી લઈ રહી છે. ભારતનું બંધારણ દરેક ભારતીય મહિલાને સમાનતાના હકની ખાતરી આપે છે,ભારત સરકારે મહિલા સ્વશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરી મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ પસાર કરવામાં આવી. નેશનલ મિશન ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના પાયા નખાયા. જેનો હેતુ હતો મહિલાઓ માટે સંકલિત વિકાસની પ્રક્રિયાને વેગ આપવો રહ્યો હતો.
કાર્યક્રમનાં પ્રારંભે યુનિ.નાં સોશ્યોલોજી ભવનનાં વડા પ્રો.જયસિંહ ઝાલાએ આમંત્રીત અતિથી, યુનિ.નાં કાર્યક્ષેત્રીય ચારેય જિલ્લાની વિવિધ ૧૬૫ કોલેજોનાં અધ્યાપકશ્રીઓ છાત્રોને આવકારી સ્ત્રીઓ પોતાના માનવ અધિકારો સંપૂર્ણપણે અને સમાનતાપુર્વક માણી શકે તે માટે ચાલુ અમલીકરણની પ્રક્રિયાઓને અસરકારક ઉપયોગ કરવા સ્ત્રીઓને જરૂરી માહિતી પહોંચી શકે તેવા બહુઆયામી આજનાં કાર્યક્રમ થકી યુનિ.નાં વિદ્યાર્થીઓ, અધ્યાપકગણ દ્વારા સ્ત્રીઓની સમાનતા એને તેમના માનવ અધિકાર પરત્વે પ્રતિબધ્ધતાનું અમલીકરણ બળવતર બને તે માટે નવી પ્રક્રિયાઓનો સ્વીકાર, સ્ત્રીઓના દરજ્જા વિષયક સમિતિ અને સ્ત્રીઓ પ્રત્યે આચરાતા સર્વ પ્રકારના ભેદભાવ નાબૂદીના શક્ય પગલાંઓ, ભારતીય દંડ સંહિતામાં સુધારા-વધારા, દરેક શાળા-કોલેજો તથા સરકારી કચેરીઓ, કંપનીઓમાં કે કોઈપણ સંસ્થાઓમાં “વિમેન સેલ” ફરજીયાતપણે હોવાપણુ, અંગે સેમિનારનો હાર્દ રજુ કર્યો હતો.
મહિલાઓની સુરક્ષા માટેની નીતિઓ ઘડવામાં દેશમાં ‘Gender Justic’તથા Gender Sensetization જાતિ સંવેદનશીલતા અંગે સાનુકુળ વાતાવરણ ઉભું કરવા સરકાર સતત પ્રયત્નશીલ હોવાની વાત સાથે કાર્યક્રમનું સંચાલક ડો.ઋષિરાજ ઉપાધ્યાએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમમાં વિવિધ કોલેજોનાં અધ્યાપકો, શોધ સ્કોલર્સ છાત્રો, યુનિ.નાં કુલસચિવશ્રી મયંક સોની, યુનિ.નાં હિસાબી અધિકારી કિર્તિબા વાઘેલા, ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન વિમેન્સ સેલનાંકો-ઓર્ડીનેટર સુશ્રી અનિતાબા ગોહેલે કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા દિવ્યેશ ગોંડલીયા અને હિતેન્દ્ર સોઢાએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)