જૂનાગઢ
” વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્વારા ૨૦૦૩થી દર વર્ષે ૧૦ સપ્ટેમ્બરે “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. દેશ વિદેશમાં આત્મહત્યાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જાગૃતિનો સંદેશો યુવાઓ સુધી પહોંચે તે હેતુ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવસિટીનાં સમાજશાસ્ત્ર ભવન દ્વારા યુનિ.નાં મધ્યસ્થ ખંડમાં સમાજશાસ્ત્ર વિષયે અભ્યાસ કરતાં છાત્રોની ઉપસ્થિતીમાં “આત્મહત્યા નિવારણ દિવસ ૨૦૨૪” દિવસ નિમિત્તે માર્ગદર્શક જાગૃતિ કાર્યક્રમ યોજાઇ ગયો.
આ પ્રસંગે યુનિ.નાં છાત્રોને જાગૃતિ સંદેશો આપતા કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ, ડિપ્રેશન જેવા પરિબળો જવાબદાર હોય છે. હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકોના હજારો ‘ફ્રેન્ડ્સ’ હશે પણ વ્યક્તિ જ્યાં પોતાનું હૃદય ઠાલવી શકે તેવા સાચા મિત્ર હોતા નથી. જેના કારણે તે વધુને વધુ હતાશામાં આવીને આત્મહત્યા કરવાનું પગલું ભરી લે છે. સાંપ્રત સમયમાં દેખાદેખીનું પ્રમાણ પણ વધ્યું છે. અનેક લોકો ‘હું પાછળ રહી ગયો’ તેવા વિચાર સાથે હતાશામાં ગરકાવ થઇ જાય છે. ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે નિષ્ફળતા એ જીવનનો અંત નથી. આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,જૂનાગઢ નાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીના માર્ગદર્શનમાં “વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” નિમિત્તે યોજાયેલ વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમમાં વિષય નિષ્ણાત વક્તા તરીકે જેમણે કાઉન્સિલર તરીકે અને મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે, તેવા બહાઉદ્દીન આર્ટસ કોલેજના મનોવિજ્ઞાનના અધ્યાપક ડૉ. ભાવનાબેન કે. ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા.તેણીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કરતા જણાવ્યુ હતુ કે કારકિર્દી- પારિવારિક જીવનમાં નિષ્ફળતા, નોકરી નહીં મળવી, નજીવી બાબતે સ્વજન સાથે મનદુઃખ જેવા કારણે સૌથી વઘુ લોકો આત્મહત્યા કરે છે. હતાશા અનુભવો ત્યારે અંગત વ્યક્તિ સાથે હૃદય ઠાલવવું જોઇએ ડો. ભાવના ઠુમરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ૨૦૨૪ની મુખ્ય થીમ ‘Changing the Narrative on Suicide’ ને કેન્દ્રમાં રાખી આ દિવસની ઉજવણીનું ઉદેશ,પ્રારંભ, આત્મહત્યાનું પ્રમાણ વગરે અંગે માહિતી આપી આત્મહત્યા ના કારણો તેમજ આત્મા હત્યા નિવારણનાં ઉપાયો તેમજ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાએ આત્મહતા નિવારણ માટે થતા પ્રયાસો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. જયસિંહ બી.ઝાલાએ મહેમાનોનું સ્વાગત અને કાર્યક્રમ ની પૂર્વભૂમિકા બાંધી હતી, તેમણે પ્રવર્તમાન સમયમાં સમાજમાં દિન-પ્રતિદિન વધતા જતા આત્મહત્યા નાં પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી તેના નિર્મૂલનમાં યુવાઓ સહભાગી બને તેવી અપીલ કરી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. ભાવના બેન કે. ઠુંમર સાથે વિદ્યાર્થીઓ દ્વારા થયેલ પ્રશ્નોત્તરીનાં હકારાત્મક ઉકેલની દિશાનાં ઉત્તર રજુ થયા હતા. કાર્યક્રમમાં વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. કાર્યક્રમનું ચંચાલન અને આભાર વિધિ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડો. ઋષિરાજ ઉપાધ્યાયે કરી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)