ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા પી.જી., બી.એડ સેમેસ્ટર-૦૧ તથા અનુસ્નાતક અને બી.એડ, એલ.એલ.બી. કક્ષાએ અભ્યાસ કરતા યુનિ., સંલગ્ન કોલેજોનાં સેમેસ્ટર-ત્રણનાં વિદ્યાર્થીઓની પરિક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પી.જી. બી.એડ સેમેસ્ટર-૧ તેમજ પી.જી.,બી.એડ, એલ.એલ.બી, સેમેસ્ટર-૩ની પરીક્ષા યોજાઇ રહી છે ત્યારે પરીક્ષા પધ્ધતિમાં પરિવર્તન સાથે સરળીકરણ આવે તે દિશામાં યુનિ. દ્વારા પરીક્ષા પધ્ધતિનાં સઘળા માપદંડોને અનુસરીને પરીક્ષાલક્ષી ક્વેશન પેપર ડીલીવરી સીસ્ટમ નવી પધ્ધતિથી અમલવારી કરી છે.
જેનાં પરિપાક સ્વરૂપ યુનિ. સંલગ્ન કાર્યક્ષેત્રીય ગિરસોમનાથ, પોરબંદર, દેવભુમિ દ્વારકા જિલ્લાની વિવિધ કોલેજોનાં પરિક્ષાર્થિઓ જે પરીક્ષાકેન્દ્ર ખાતે ત્યાં ઈ-મેઇલ દ્વારા નિશ્વિત સમયે પેપર રવાનગી કરવામાં આવ્યા છે. યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો.ચેતન ત્રિવેદીએ આજે પરિક્ષાનાં પ્રારંભ સાથે બહાઉદ્દિન વિનયન અને વિજ્ઞાન કોલેજનાં પરીક્ષા કેન્દ્રોની પ્રત્યક્ષ મુલકાત લઇ પરિક્ષા કાર્યપધ્ધતિ, પ્રશ્ન પેપર પ્રાપ્ત કરવા કે તેને પ્રિન્ટ કરવામાં અગવડતા નથી પડીને તેની જાત માહિતી મેળવી હતી. સાથે પરિક્ષા પધ્ધતિમાં સલામતિ નાં, સાવચેતિનાં વિષયો અંગે પરિક્ષા સાથે સંકળાયેલ અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.
યુની. દ્વારા આર્ટસ, સાયન્સ, કોમર્સ, હોમ સાયન્સ, કાયદા શાસ્ત્ર, એમ.એડ, પીજીડીસીએ, એમઆરએસ, એમએસ.ડબલ્યુ સહિત વિવિધ વિષયોની સેમેસ્ટર-૧ અને ત્રણની પરિક્ષા દરમ્યાન પરીક્ષાકેન્દ્ર ખાતે સીસીટીવી ધરાવતા સ્ટ્રોંગ રૂપ સહિત સમગ્ર પરિક્ષા કાર્યનું બારીકાઇથી યુનિ.નાં મોનીટરીંગ મધ્યસ્થ ખંડ ખાતે મોનીટરીંગ થઇ રહ્યુ છે તેમ જણાવતા યુનિ.નાં કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદીએ ઉમેર્યુ હતુ કે પરીક્ષા એ જીવનના સાતત્ય માટે જરૂરી છે. પરીક્ષા વગરનું જીવન તો શક્ય જ નથી. કારણ કે જીવનના દરેક સ્ટેજ પર તમારે કોઈને કોઈ પરીક્ષાનો સામનો તો કરવો જ પડે છે. એટલે પરીક્ષા એક પ્રકારે તો જીવનની સાશ્વત જરૂરિયાત છે. પણ સાવ એવું નથી કે પરીક્ષાના ગલીયારામાંથી નીકળીને જે બહાર આવે એ જ સાચું શિક્ષણ ગણાય. કારણ કે શાળાના બહાર પણ આખું એક જીવંત વિશ્વ હોય છે,
ડો. ત્રિવેદીએ કવિની પંક્તિ યાદ કરતા એમણે કહ્યું કે “એકાદ રમકડાનાં તુટવાથી કાંઇ બાળપણ મુરઝાતુ નથી” એટલે કે એકાદ પરીક્ષામાં નિષ્ફળ જવું એ જીવનની નિષ્ફળતા ન કહી શકાય. પણ, હા એમાં પાર ઉતરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. કારણ કે પરીક્ષા વગરનું જીવન શક્ય નથી. જો જીવનને પરીક્ષામાં મુકીશું જ નહિ, તો જીવન અટકી જશે અને અટકી ગયેલા જીવનનો કોઈ અર્થ જ નથી હોતો. જીવનમાં ઉત્સુકતા જ તો જ્ઞાનની પોષક છે. એ જ પ્રકારે ઈચ્છાઓ પણ ભવિષ્યના ઘડતર માટે આવશ્યક છે.
કોઈ પણ પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા તો નથી જ હોતી. પણ હા, ઈચ્છાઓનો ઉદભવ વ્યક્તિ અને ભવિષ્યના વિકાસ માટે જરૂરી છે, વિદ્યાર્થીઓનાં મનમાં નવા એસ્પીરેશન જાગે અને એ સપનાઓને પુરા કરવા માટે તેઓ પ્રયત્ન કરે’. કારણ કે ભવિષ્યનો આધાર આજના પ્રયત્નો પર રહેલો છે.તેમ જણાવી સૈા પરીક્ષાર્થી છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં પરિક્ષા નિયામકશ્રી ડો. ડી.એચ. સુખડીયા અને પરિક્ષા વિભાગનાં કર્મયોગીઓને પરિક્ષા કાર્યમાં આધુનીકીકરણ અને ડિઝીટલાઈઝેશ પ્રકિયાનાં અમલીકરણ માટે ડો. ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)