વેસ્ટઝોન ઈન્ટર યુનિ. ૩૮મો યુવા મહોત્સવ તાજેતરમાં મહેસાણા ખાતે સંપન્ન થયો. આ મહોત્સવમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિદ્યાર્થીઓએ લલિત કલા અને સર્જનાત્મક વિભાગમાં તત્કાળ ચિત્રકળા, રંગોળી, કાર્ટુંનિંગ, કોલાજ, કલે મોડેલિંગ, પોસ્ટર મેકિંગ, તત્કાળ છબીકલા, મહેન્દી અને નાટ્ય વિભાગમા એકાંકી, લઘુ નાટક, મુક અભિનય અને મિમિક્રી તેવી જ રીતે સંગીત વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત( સ્વરવાદ્ય અને તાલવાદ્ય), પશ્ચિમની વાદ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત, પશ્ચિમી કંઠ્ય સંગીત, સમૂહ ગીત(ભારતીય અને પશ્ચિમી) ભજન, દોહા-છંદ, લોકગીત પ્રાચીન રાસ, લોક નૃત્ય, આદિવાસી નૃત્ય અને શાસ્ત્રી નૃત્ય સહિત વિવિધ કલાની પ્રસ્તુતી કરી હતી. આ સ્પર્ધાઓમાં કુ. વેશાલી ઉદેશ દ્વારા મહેંદી સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ સિધ્ધી મેળવી હતી. વેસ્ટઝોન યુવા મહોત્સવમાં સહભાગી તમામ કલાસાધક વિદ્યાર્થીઓને સન્માનવાનો એક સપ્તરંગી કાર્યક્રમ યુનિ.નાં કુલપતિ પ્રો. અતુલભાઇ બાપોદરાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
યુવા મહોત્સવમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કલા નિરૂપણ કરનાર છાત્રો સાથે વાત કરતા કુલપતિ ડો. અતુલભાઇ બાપોદરાએ જણાવ્યુ હતુ કે ‘સાધના’નો એક અર્થ થાય છે કાર્યને પૂર્ણતા અર્પવા માટેનો પરિશ્રમ અને દક્ષતા. કોઈ પણ સ્થિતિમાં શ્રેષ્ઠતા કે સિદ્ધિ પામવાની હોય ત્યારે સાધના જરૂરી બને છે. સાધના ક્ષમતાનિર્માણ માટે સહાયક છે અને અનિવાર્ય છે. કલા સંદર્ભે પણ એવું જ છે. કલાકાર થવા માટે નિસર્ગદત્ત પ્રતિભા અનિવાર્ય છે, પરંતુ અથાક અભ્યાસ, સાતત્યપૂર્ણ અભ્યાસ, અવિરત રિયાઝ, નિત્યનૂતન પ્રયોગ, વગેરેથી પ્રતિભાને પરિષ્કૃત કરવાની હોય છે. કલાકારે સંપ્રજ્ઞતા સાથેની પાત્રતાને અહર્નિશ સંકોરવાની હોય છે, સંમાર્જિત કરવાની હોય છે. સાધના થકી કશુંક શ્રેષ્ઠ સિદ્ધ કરવું આવશ્યક બની જાય છે.
આ તકે યુનિ.નાં સરકારશ્રી નિયુક્ત એકઝુકેટીવ કાઉન્સીલનાં સદસ્ય પ્રો. દિનેશ દઢાણિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક વાત કરતા કહ્યુ હતુ કે એવું કોઈ શાસ્ત્ર નથી, શિલ્પ નથી, વિદ્યા નથી, કલા નથી, યોગ નથી કે કર્મ નથી, જે નાટકમાં ન જોઈ શકાય. એનો અર્થ એ થયો કે નાટકમાં તમામ કલાઓ સમાવિષ્ટ થાય છે. દરેક કલા વચ્ચે આંતરિક અને વિશિષ્ટ સંબંધ છે. એક કલા શીખવા માટે બીજી બધી જ કલાઓ શીખવી રહી, કલા શબ્દ માણસની ઉદાત્ત, મહત્સિદ્ધિ છે, કાર્યક્રમનાં પ્રારંભે યુનિ.નાં કલ્ચરલ સેલનાં કો-ઓર્ડીનેટર ડો.રૂપલબેન ડાંગરે વિદ્યાર્થિઓ ની યુવા મહોત્સવમાં સહભાગિતાને બિરદાવી જણાવ્યુ હતુ કે કોઇપણ સ્પર્ધામાં હાર-જીત મહત્વની નથી હોતી પણ સ્પર્ધામાં સહભાગી બનવુ ઘણું મહત્વનું હોય છે. યુવા મહોત્સમાં ભાગ લેનાર કલાસાધક વિદ્યાર્થીઓએ ભાવો, લાગણીઓ, સંવેદનાઓ, ઊર્મિઓ, તરંગો, કલ્પનાઓ, અનુભવો, એષણાઓ, સપનાંઓ, કલ્પનાઓ, તથ્યો, દર્શન, વિચારો, અભિપ્રાયો, અનુભવ્યા અને સાર્થક કર્યા છે.
યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓની સાથે ટીમ લીડર તરીકે સેવા કરનાર ભગવાનભાઇ દેવધરીયાએ યુવાનોમાં નભમાં વિહરવાની શક્તિની સરાહના કરતા જણાવ્યુ હતુ કે જો કલાનાં મર્મી વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન મળી રહે તો કલાની સાધના કરતા વિદ્યાર્થીઓનાં મનની અમૂર્ત ભૂમિકાઓ ભાવાત્મક સૃષ્ટિને એના મહત્તમ સ્તરે રૂપબદ્ધ કરીને સવાયું સૌંદર્ય કે સત્ત્વ સ્થાપિત કરી શકવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આ તકે સાંસ્કૃતિક વિભાગનાં સહ સંયોજક ડૉ. ઓમભાઈ જોષીએ હાજર રહી વિધાર્થી ઓને પ્રેરણા આપી.
કાર્યક્રમનાં અંતે કલ્ચરલ સેલનાં સહ સંકલનકાર ડો. ઋષિરાજ ઉપાધ્યાયએ આભાર દર્શન કરતા વિદ્યાર્થીઓમાં અમૂર્ત કલાને નિરૂપવામાં સહભાગી બનનાર સૈા સહયોગીઓને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ.ઓમ જોષી, ટીમ મેનેજર ડૉ. ભગવાનભાઈ દેવધરિયા, ડો.અનસુયાબેન ચૈાધરી, હરપાલસિંહ રાઠોડ, સહિત સહયોગીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમનાં પ્રારંભે કાજલબેન વાઢેર, પાર્થ મહેતા, યોગેશ સોલંકી સહિત વિદ્યાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. અને વેસ્ટઝોનમાં રજુ થયેલ કૃતિઓનાં અંશો ફિલ્મનાં પડદે નિહાળ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)