ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી

જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયનાં સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી અનુસ્નાતક ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, સમુહ ચર્ચા અને માનવ અધિકાર વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું


આયોજીત વિવિધ સ્પર્ધાનાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓ ને સન્માનપત્ર એનાયત કરવા અને વિદ્યાર્થીઓને માનવ અધિકારોનો ખ્યાલ મળી રહે તે હેતુ આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ વિભાગીય વડા, વિદ્યાર્થીઓને સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.જયસિંહ ઝાલાએ શબ્દોથી આવકારી માનવ અધિકાર દિવસ અંગે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે માનવ અધિકાર દિવસ (Human Rights Day) દર વર્ષે ૧૦ મી ડિસેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ૧૯૪૮માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણા અપનાવી હતી. આ ઘોષણા તમામ લોકોને સમાન અધિકારો અને ગૌરવ પ્રદાન કરવાની વાત કરે છે.

આ તકે કાર્યક્રમ અંગે યુનિ.નાં કુલગુરૂ પ્રો. ચેતન ત્રિવેદીએ દુરવાણી સંદેશથી શુભેચ્છા વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે માનવ અધિકાર દિવસ આપણને યાદ અપાવે છે કે તમામ મનુષ્ય સમાન છે અને બધાને સમાન અધિકારો છે. આ દિવસ આપણને એવા લોકો માટે વિચારવાની અને કામ કરવાની તક આપે છે જેમને તેમના અધિકારો નથી મળતા. આ દિવસ આપણને એ પણ યાદ અપાવે છે કે આપણે આપણા અધિકારો માટે લડવું જોઈએ અને બીજાના અધિકારોનું સન્માન કરવું જોઈએ, આ દિવસ માનવ અધિકારો વિશે લોકોને જાગૃત કરવાની એક મહત્વપૂર્ણ તક છે. માનવ અધિકાર દિવસ એ સમાજમાં પરિવર્તન લાવવાનો અવસર છે. આ દિવસ લોકોને એકસાથે આવવાની અને માનવ અધિકારો નું ઉલ્લંઘન કરતા મુદ્દાઓ સામે અવાજ ઉઠાવવાની તક આપે છે.


આ પ્રસંગે અંગ્રેજી વિભાગનાં વડા પ્રો.ફિરોઝ શેખ, કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગનાં વડા પ્રો. ભાવસીંહ ડોડીયા, લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. સૂહાસ વ્યાસે પ્રાસંગિક વક્તવ્યમાં માનવ અધિકાર દિવસનો ઇતિહાસ, આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન, શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન, ભારતમાં માનવ અધિકાર દિવસની ઉજવણી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રો. ઋષીરાજ ઉપાધ્યાએ જહેમત ઉઠાવી કાર્યક્રમનાં અંતે આભાર દર્શન કર્યુ હતુ. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. પરાગ દેવાણીએ સંભાળ્યુ હતુ.


નિબંધ સ્પર્ધાનો વિષય “માનવ અધિકાર અને બંધારણ” અને વકૃત્વનો માનવ અધિકાર અને વિકસીત ભારત હતો. નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર રાવલિયા અમીષા(સમાજશાસ્ત્ર ભવન), બીજા નંબરે ગોસ્વામી કલ્પેશ(ઈતિહાસ ભવન) ત્રીજાં નંબરે વાજા ચેતના(કોમર્સ ભવન) તેવીજ રીતે વકૃત્વ સ્પર્ધામાં માં પ્રથમ નંબર ટોલિયા દિશા (અંગ્રેજી ભવન), બીજા નંબરે ખાણીયા દિવ્યા (સમાજ શાસ્ત્ર ભવન) ત્રીજાં નંબરે મારૂ વૃષાલી(સમાજશાસ્ત્ર ભવન)ને શીલ્ડ અને પ્રમાણ પત્ર આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રો.અનીતાબા ગોહિલ, પ્રો. ડૉ. સંદીપ ગામિતે વકૃત્વ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી, નિબંધોનું મુલ્યાંકન બહાઉદ્દીન આર્ટસ કોલેજનાં પ્રો. જી. જે. પરમારે સંભાળ્યુ હતું

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)