ભવનાથમા ૭ જગ્યાએથી મહાશિવરાત્રીના મેળાનુ જીવંત પ્રસારણ જોઈ શકાશે એલ.ઇ.ડી. સ્ક્રીન દ્વારા મેળો લાઈવ જોઈ શકાશે.

૩૦૦૦ એલ.ઇ.ડી. ટ્યુબલાઈટ તેમજ ફ્લડ લાઈટથી મહાશિવરાત્રીનો મેળો ઝગમગી ઉઠશે.

જૂનાગઢ તા.૨૦-
ગિરનારની ગોદમાં આગામી તા.૨૨ માર્ચથી તા.૨૬ માર્ચ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મેળામા આવતા ભાવિકો જુદી-જુદી સાત જગ્યાએથી મેળાનું જીવંત પ્રસારણ માણી શકશે. જેમા મંગલનાથ આશ્રમ, દતચોક, શનિદેવ મંદિર, અગ્નિ અખડા પાસે, ઇન્દ્રભારતી ગેટ, જિલ્લા પંચાયત અને ભગીરથ વાડી ખાતે તંત્ર દ્વારા એલ.ઈ.ડી. સ્ક્રીન રાખવામાં આવશે. આ ઉપરાંત ત્રણ હજાર એલ.ઇ.ડી. ટ્યુબલાઈટ તેમજ ફ્લડ લાઈટથી મહાશિવરાત્રીનો મેળો ઝગમગી ઉઠશે.

જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શનમાં વિવિધ વિભાગો દ્વારા મેળાના સુચારું આયોજન માટે કામગીરી હાથ ધરી રહ્યા છે. મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે રાત્રીના સમયે લોકો મેળાનો આનંદ લઈ શકે તે માટે તંત્ર દ્વારા લાઇટિંગની વિશેષ વ્યવસ્થા માટે ટીમ કાર્યરત કરવામા આવી છે. જેમા ૧૦૦ જેટલા કર્મચારીઓ લાઈટીંગની કામગીરી માટે જોડાયા છે.
પાંચ દિવસીય મેળામા દરરોજ અનેક શ્રદ્ધાળુઓ ભવનાથમા આવતા હોય, શ્રદ્ધાળુઓ અલગ અલગ જગ્યાએથી એલ.ઈ.ડી. સ્ક્રીન દ્રારા સમગ્ર મેળો જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામા આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંગલનાથ આશ્રમ, દત ચોક, શનિદેવ મંદિર, અગ્નિ અખડા પાસે, ઇન્દ્રભારતી ગેટ, જિલ્લા પંચાયત તથા ભગીરથ વાડી ખાતે એલ.ઈ.ડી. સ્ક્રીન મુકવામા આવતા આ જગ્યાઓ પરથી મેળો લાઈવ જોઈ શકાશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)