જૂનાગઢ, તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫:
જૂનાગઢમાં પવિત્ર ગિરનારની તળેટીમાં મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ ભક્તિપૂર્ણ માહોલમાં થયો છે. ભવનાથ મહાદેવના પ્રાંગણમાં શ્રદ્ધાળુઓની ભક્તિભરી ભીડ ઉમટી રહી છે. યોગીઓની તપોભૂમિ ગિરનાર અને ભવનાથ તળેટી શિવભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યા છે.
આ પાવન મેળાના પ્રથમ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ‘માધવ સ્મારક સમિતિ’ દ્વારા સ્થાપિત સેવાકીય સ્ટોલનું દીપ પ્રાગટ્ય કરીને ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્ટોલની શરુઆત ભારત માતાની ભવ્ય છબી આગળ દીવો પ્રગટાવી કરવામાં આવી હતી.
આ પ્રસંગે માધવ સ્મારક સમિતિના પ્રમુખ શ્રી જતીનભાઈ નાણાવટી, મંત્રી શ્રી રાકેશભાઈ શેઠ, સહ વિભાગ કાર્યવાહ શ્રી જીતેશભાઈ પનારા સહિત અનેક માનનીય પદાધિકારીઓ, સ્વયંસેવક ભાઈઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
પાંચ દિવસ સુધી નિઃશુલ્ક આયુર્વેદિક સેવાઓ
મેળા દરમિયાન ભવનાથ પોલીસ ચોકી પાસે, કમાનની બાજુમાં, ભવનાથ રોડ, જૂનાગઢ ખાતે માધવ સ્મારક સમિતિનું સેવાકીય સ્ટોલ કાર્યરત રહેશે.
આ સ્ટોલ પરથી પ્રાથમિક ઉપચારની દવાઓ અને આયુર્વેદિક ઉકાળાની સેવા મફતમાં ઉપલબ્ધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટ દ્વારા ચાલતા વિવિધ સેવાકાર્યો જેમ કે:
✅ શિક્ષણ કેન્દ્રો
✅ સંસ્કાર કેન્દ્રો
✅ આયુર્વેદિક પેટી અને મેડિકલ સાધન સહાય કેન્દ્ર
✅ ચિકિત્સાલય અને યોગ કેન્દ્ર
✅ હેલ્પ ડેસ્ક સેન્ટર અને વાંચનાલય
✅ બ્લડ ગ્રુપ ચકાસણી અને બ્લડ ડોનેશન કેમ્પ
આવી અનેકવિધ સેવાઓની જાણકારી આ સ્ટોલ પર આપવામાં આવશે.
માધવ સ્મારક સમિતિના માનદ મંત્રી શ્રી રાકેશભાઈ શેઠ દ્વારા જણાવવામાં આવ્યું કે, સંસ્થા દ્વારા દર વર્ષે મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ અને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
મહા શિવરાત્રી મેળામાં ઉત્સાહ, ભક્તિ અને સેવાને અનોખી ઉજવણી સાથે ભવનાથ તળેટી આનંદમય બની રહી છે.
📍 અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ