ભાજપના મહિલા નેતા દીપિકા પટેલની હત્યા કે આત્મહત્યા? કોર્પોરેટર ચિરાગે પોલીસને બોલાવ્યાં વગર મૃતદેહ ઉતાર્યો

 

સુરત મહાનગરપાલિકાના વોર્ડ-30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ 34 વર્ષીય દીપિકા પટેલે તેના ઘરે આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ નામનો એક વ્યક્તિ હાજર હતો. બીજી બાજુ કોર્પોરેટર ચિરાગ પોલીસને જાણ કર્યા વગર દીપિકા પટેલનો ગળેફાંસો ખાધેલો મૃતદેહ નીચે ઉતાર્યો હતો, જેથી દીપિકા પટેલે આત્મહત્યા કરી છે કે તેમની હત્યા થઇ છે એ મોટો સવાલ ઉભો થયો છે.

ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ દીપિકા પટેલના ઘરમાં હાજર હતા, તો સૌથી પહેલો સવાલ એ ઉભો થાય કે એક જ ઘરમાં હાજર હોવા છતાં તેમણે દીપિકા પટેલને આત્મહત્યા કરતા રોક્યા કેમ નહીં. બીજી વાત એ કે કોર્પોરેટર ચિરાગે પોલીસને જાણ કર્યા વગર દીપિકા પટેલનો મૃતદેહ નીચે ઉતાર્યો અને હોસ્પિટલ લઇ ગયો. કોર્પોરેટર ચિરાગે શા માટે પોલીસ આવવાની રાહ ન જોઈ? મૃતક દીપિકા પટેલના સંબંધી નિમેષ પટેલે આ ઘટનાને હત્યા ગણાવી છે. તેમણે કહ્યું કે ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ તેમના ઘરમાં હતા, આ સિવાય દીપિકા પટેલના ઘરનું કોઈ વ્યક્તિ હાજર ન હતું. તેમણે કહ્યું કે કોર્પોરેટર ચિરાગ પટેલે શા માટે મૃતદેહ ઉતાર્યો. નિમેષ પટેલે આ અંગે યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે.