ભાદરવી મહાકુંભ 2024, લાખો માઈ ભક્તોની સુરક્ષા માટે ટેમ્પલ ટ્રસ્ટે 3 કરોડનો વીમો લીધો, બીજી તરફ 2023 મા અકસ્માતમાં મૃત્યુ પામેલા 2 પરિવારને હજુ ક્લેમના રૂપિયા મળ્યાં નથી.

બનાસકાંઠા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બર 2024 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી લાખો માઈ ભક્તો 7 દિવસમાં અંબાજી ખાતે આવનાર છે, ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારે માહિતી આપી હતી કે 21 દિવસમાં 20 કિલોમીટરના અંતરમાં કોઈ અકસ્માતથી મૃત્યુ પામેતો દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સુરક્ષાના ભાગરૂપે 3 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે ગત 2023 માં ભાદરવી મેળા વખતે અકસ્માતમાં મૃત્યુ પામેલા મહિલા અને પુરુષના પરિવારને વીમાના રૂપિયા મળેલ નથી. બીજી તરફ પરિક્રમા મહોત્સવ 2024 માં વીઆઈપી નેતાઓ પાછળ ચા અને જમવાના અંબાજી મંદિર ટ્રસ્ટે 11 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરેલ છે. જે રૂપિયા હજુ સુધી મંદિરના ખાતામાં પરત આવ્યા નથી.

અંબાજી માન સરોવર પાસે બ્રહ્મપુરીવાસમાં રહેતા ભરતભાઈ રાવળ પોતાની પત્ની ચંદ્રિકાબેન રાવળ સાથે 2023 મા કેમ્પ જોવા ગયા અને અકસ્માતમાં પોતાની પત્ની ગુમાવી. મૃતક મહિલા ચંદ્રિકાબેન રાવળને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી હતી. 2023 ના વર્ષમાં 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો હતો, અંબાજી ખાતે રહેતા ભરતભાઈ રાવળ પોતાના પત્ની ચંદ્રિકાબેન સાથે રાજકોટ ખાતેનો કેમ્પ જોવા ગયા, ત્યારે રોંગ સાઈડ માંથી આવેલા ટેમ્પોના ચાલકે અકસ્માત કર્યો હતો. 9/10/2023 ના રોજ મૃતક મહિલાના પતિ ભરતભાઈ રાવળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ ખાતે અરજી કરવામાં આવી હતી અને તેની સાથે તમામ આધાર પુરાવા પણ આપવામાં આપ્યા હોવા છતાં પણ હજુ સુધી વીમાના ક્લેમના રૂપિયા મહિલાના પતિને મળ્યા નથી. મહિલાના પતિ દ્વારા અવારનવાર ટ્રસ્ટની ઓફિસમાં રજૂઆત કરવા છતાં પણ રૂપિયા મળતા નથી. બીજી તરફ 2023 માં પણ બાયડ તાલુકાના એક ગામના મહેન્દ્રભાઈ પરમારનું ગના પીપળી પાસે રિક્ષા સાથે બાઈકનું અકસ્માત થયેલું, જેમાં તે મૃત્યુ પામેલા,આમ 2 પરીવારને અક્સ્માત ના રૂપિયા મળ્યા નથી. અંબાજી મંદિરના વહીવટદારે જણાવ્યું હતું કે સરકાર હસ્તકની વીમા કંપની માંથી જ વીમો લઈએ છીએ અને તેનુ પ્રીમિયમ પણ મંદિર ટ્રસ્ટ ભરે છે તો પછી અકસ્માતમાં ભોગ બનેલા પિડીત પરિવારોને વીમા કંપની દ્વારા કેમ હેરાન કરવામાં આવે છે, તે સવાલ હાલમાં તો ઊભા થયા છે.ભરતભાઈ રાવળે જણાવ્યું હતું કે આ બાબતે અમે હજુ સુધી કોર્ટમાં ગયા નથી. બીજી તરફ મહેન્દ્રભાઈ પરમાર ના પરિજને પણ જણાવ્યું હતું કે અમે મંદિર ટ્રસ્ટમાં આધાર પુરાવા આપ્યા છે પણ સહાય મળી નથી.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)