ભાયાવદર, તા. ૧૪ મે
ભાયાવદર શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ અડધા દિવસના બંધના એલાન બાદ હવે શહેરના રાજકીય તાપમાનમાં વધુ તીવ્રતા આવી છે. આ મુદ્દે નગરપાલિકા પ્રમુખ રેખાબેન જીણોજીયાએ સ્પષ્ટ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, “બંધ માટે વેપારીઓએ કોઈ સહકાર આપ્યો નથી, અને બંધ કરાવા માટે ધાકધમકીનો પ્રયાસ થયો હતો જે નિષ્ફળ રહ્યો છે.“
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ મુદ્દો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો અંગત રાજકીય વિવાદ છે, તેમાં દુકાનદારો અને વેપારીઓને ખેંચી લાવવાનો પ્રયાસ ગેરવાજબી છે.“
રેખાબેન જીણોજીયાએ કોંગ્રેસ પર સીધો આક્ષેપ કરતાં કહ્યું કે, “આ એક વ્યક્તિગત પ્રશ્ન છે જેને ખોટી રીતે સામાજિક બનાવવાનો પ્રયત્ન થયો છે. ભાયાવદરની જનતા અને વેપારીઓ કંઇક પણ સમજીને નિર્ણયો લે છે અને તેઓ કોંગ્રેસના આ નાટકમાંથી અસરગ્રસ્ત થયા નથી.“
તેમણે કહ્યું કે “ભાયાવદરની જનતા કોંગ્રેસ પ્રમુખ કોણ છે, શું ઈતિહાસ છે અને શું મંતવ્ય છે, તે સારી રીતે જાણે છે. હવે આવા નકામા પ્રયત્નો ભાયાવદરના શાંતિપૂર્ણ વાતાવરણને બદનામ કરવાની કોશિશ છે.”
હાલ સ્થિતિ:
શહેરમાં સામાન્ય હાલત યથાવત છે. વેપાર ધંધા પૂર્વવત ચાલુ છે અને બંધનો વ્યાપક અસર જોવા મળ્યો નથી. પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અખંડિત છે.