ઉપલેટા, રાજકોટ:
રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેરમાં “ફિટ ઇન્ડિયા મૂવિમેન્ટ” અંતર્ગત રવિવારે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા પોતે હાજર રહી સાયકલ ચલાવી અને જનસામાન્યને તંદુરસ્ત જીવનશૈલી અપનાવા માટે પ્રેરણા આપી.
મનસુખભાઈ માંડવીયાની આગેવાની હેઠળ ભાયાવદરના વિવિધ રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. ભાયાવદર શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરથી રેલી પસાર થઈ હતી અને સમગ્ર વાતાવરણ ‘સ્વાસ્થ્ય માટે સાઇકલ’ના સૂત્રથી ગૂંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “દર રવિવારે સ્વાસ્થ્ય માટે દરેક લોકોએ સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. આજે હાર્ટની સમસ્યાઓ, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ વધી રહી છે ત્યારે મેડિસિન નહીં પણ ફિટનેસને જીવનનો ભાગ બનાવવો સમયની માંગ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “રવિવારે એક દિવસ મોટરસાયકલ કે અન્ય વાહનોના બદલે સાઇકલ ચલાવવી જોઈએ, જેના દ્વારા વ્યક્તિના શરીર સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય છે.“
રેલી દરમિયાન શહેરમાં ઉર્જાસભર અને આરોગ્યપ્રદ સંદેશ ફેલાયો હતો. વિદ્યાર્થીઓથી માંડી વડીલ સુધી દરેક ઉમરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મનસુખભાઈના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
અહેવાલ: [વિમલ સોંદરવા] સ્થાન: ભાયાવદર, ઉપલેટા