ભારત વિજયી બનેએ માટે સુરતમાંહવન યોજાયો

ઉધનામાં દક્ષિણામુખી શેની હનુમાન મંદિરે યજ્ઞ, સંતો અને સાધકો દ્વારા બગલામુખી દેવીનું આહ્વાન

સુરત
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધો વચ્ચે દેશભરમાં યુદ્ધના વાતાવરણ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ભારતના સૈનિકોને શક્તિ અને વિજયની આશા સાથે સુરતના ઉધના વિસ્તારમાં શ્રદ્ધાળુઓએ વિશેષ યજ્ઞ અને પ્રાર્થના યોજી છે.

દક્ષિણામુખી શેની હનુમાન મંદિર, ઉધના ખાતે શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાના સંત સ્વામી વિજાનંદપુરીજી મહારાજના આગેવાનત્વમાં માતા બગલામુખીનું વિશેષ યજ્ઞ વિધિપૂર્વક આયોજન કરાયું હતું. યજ્ઞમાં સુરતના અનેક નાગરિકો અને સંન્યાસીઓએ ભાગ લઈને દેશના રક્ષકો માટે દુશ્મન સામે વિજયની શક્તિ મળે તેવી પ્રાર્થનાઓ કરી.

સ્વામી વિજાનંદપુરીજી મહારાજે કહ્યું કે, “આજે દેશ માટે દુશ્મન સામે લડતા ભારતના સૈનિકો માટે આ યજ્ઞ છે. માતા બગલામુખી એ શત્રુના મૌન અને નાશ માટે પ્રસિદ્ધ છે. જયારે પણ ધર્મ અને દેશ પર સંકટ આવે છે, ત્યારે તંત્ર અને યજ્ઞથી આધ્યાત્મિક શક્તિ ઊર્જા આપે છે.”

મંદિર પરિસરમાં લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા પણ લગાવ્યા હતા અને દેશ માટે સતત પ્રાર્થના ચાલુ રાખવા સંકલ્પ કર્યો.