ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે અમીરગઢ ખાતે ૨૦૯મા સરસ્વતીધામનું લોકાર્પણ કરાયું.

બનાસકાંઠા

દેશના અંતરિયાળ ગામોમાં સુવિધાઓના અભાવે બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને જ્ઞાનના અજવાળા પથરાય તે માટે માતુશ્રી કાશીબા હરિભાઇ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા “૩૦૯ સરસ્વતીધામ” નવનિર્માણ અભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉપલોબંધ મુકામે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે ૨૦૯મા સરસ્વતીધામ સ્વ. મહેન્દ્રકુમાર શોભાગચંદ ઝવેરી કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ લોકાર્પણ કાર્યક્રમાં કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ દાતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે આપના જેવા લોકો સંસ્કાર થકી સેવા દ્વારા દેશને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે. દુનિયામાં થતાં દરેક કાર્ય કે વ્યવસ્થા પોતાના લાભની રીતે જોવાય છે, પરંતુ આપણા દેશમાં કરવામાં આવતું દરેક કાર્ય સેવા અને સંસ્કારોથી દીપે છે. આ દેશના શાશ્વત સંસ્કારોને કેશુભાઈ ગોટી જેવા લોકો આગળ ધપાવી રહ્યા છે. પૈસા કમાયા પછી એને કયા વાપરવા એ ખૂબ મહત્વનું હોય છે. આપણા દેશના સંસ્કાર શીખવે છે કે આપણે કમાયેલા પૈસા નવી પેઢીના નિર્માણમાં વાપરવા જોઈએ.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે સૌએ સાથે મળીને ભણતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા જોઈએ, જેથી આ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય છે અને તેમનું વ્યક્તિત્વ નિખરે છે. વિદ્યાર્થીઓની સાથે તેમને ભણાવતા શિક્ષકોનું પણ સન્માન કરવું જોઈએ. શિક્ષકો બાળકોના ભવિષ્યના નિર્માતા છે. તેમણે વાલીઓનો પણ આભાર માનતા જણાવ્યું હતું કે શાળા, શિક્ષક અને વાલીઓ એક થાય ત્યારે ગામ સમૃધ્ધ બને છે. મહાજનો એ સરકારની સાથે મળીને સેવાનું કાર્ય કરે છે અને સમાજને પોતાનું દાયિત્વ અદા કરે છે. તેથી આપણે આ સમાજ સેવકોને વંદન કરવા જોઈએ અને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. મંત્રીશ્રીએ આ કાર્યક્રમાં હાજર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સર્વે કર્મયોગીઓને શુભકામનાઓ પાઠવી હતી.

“૩૦૯ સરસ્વતીધામ” નિર્માણ અભિયાનના મુખ્ય દાતાશ્રી કેશુભાઈએ શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ અને કર્મયોગીઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આપણે બીજા પર નિર્ભર ન રહેતા પોતે જ આત્મ નિર્ભર થવું જોઈએ અને સ્વાભિમાનથી જીવન જીવવું જોઈએ. આપણે કોઈપણ કાર્ય સ્વમાનભેર, ઈચ્છાશક્તિ અને નીતિમત્તાથી કરવું જોઈએ.

આ લોકાર્પણ કાર્યક્રમાં પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ પટેલ, આદ્યસ્થાપક અને પૂર્વ પ્રમુખશ્રી, ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફએડેરેશન ડો.માનસિંગભાઈ ચૌધરી, નુતન ભવનનાં સહયોગી દાતા કુમુદબેન મહેન્દ્રકુમાર ઝવેરી, શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુરના સભ્યો અને દાતાશ્રીઓ, આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)