ભાવનગર, તા.૨૫ મે:
નિલમબાગ પોલીસ સ્ટેશન અને દાદરાનગર હવેલી નારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલતાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીનાઓ, હથિયારો અને ચોરીની સ્પ્લેન્ડર બાઈક સહિત કુલ રૂ. 1,41,650/- ના મુદ્દામાલની બરામદગી કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ:
- સમીરભાઈ સલીમભાઈ ડેરૈયા (25), પાલીતાણા
- મનોજ ઉર્ફે ચીમન ગોહેલ (20), ભાવનગર
- સોહિલખાન સાદિકખાન રીંદ (24), વરતેજ
ઓપરેશનની વિગતો:
એલ.સી.બી.ના માણસો પેટ્રોલીંગ દરમિયાન તખતેશ્વર તળેટી રોડ નજીક શંકાસ્પદ હાલતમાં ત્રણ શખ્સો સ્પ્લેન્ડર બાઈક અને દાગીનાઓ સાથે ઉભેલા જણાતા ધરપકડ કરી પુછપરછ કરતાં તેઓએ બે જુદા-જુદા ઘરફોડ ગુનાઓમાં સંડોવાયેલા હોવાની કબુલાત આપી હતી.
તેઓએ નિલમબાગ વિસ્તારમાંથી લોખંડના ગણેશીયાની મદદથી તાળું તોડી દાગીનાની ચોરી તથા દાદરાનગર હવેલીના નારોલી ગામમાં બંધ મકાનમાંથી સોનાની ચેઈન, મંગળસૂત્ર, ચાંદીના સિક્કા સહિતની ચોરીનો ગુનો કબૂલ્યો છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં સોનાની ચેઈન, ઓમ પેન્ડલ, ચાંદીની હાંસડી, ઘડીયાળ, ચશ્મા, લોખંડનો ગણેશીયો અને સ્પ્લેન્ડર બાઈકનો સમાવેશ થાય છે.
આરોપીઓના ગુનાહિત ઇતિહાસ:
સમીર ડેરૈયા અને મનોજ ગોહેલ અગાઉ જુગાર, ચોરી અને પ્રોહીબિશન સહિતના અનેક ગુનાઓમાં ઝડપાઈ ચુક્યા છે. સોહિલખાન રીંદ પર પણ અગાઉથી એક પ્રોહીબિશનનો ગુનો નોંધાયેલો છે.
પોલીસ ટીમનો સરાહનીય પરાક્રમ:
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા તથા સ્ટાફ – વનરાજ ખુમાણ, જયદીપસિંહ ગોહિલ, એઝાખખાન પઠાણ વગેરેની ટીમે સફળતાપૂર્વક અંજામ આપી હતી.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર