નારી વંદન ઉત્સવના ચોથા દિવસે, ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી જરૃરિયાતમંદ મહિલાઓને સશક્ત બનાવવા અને તેમની ભૂમિકા ને માન આપવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાઈ હતી. કાર્યક્રમ ભાવનગર જિલ્લાના જિલ્લા પંચાયત મીટીંગ હોલ ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને સમાજસેવી સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન બચુબેન આર. ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સોનારા, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી આર.કે. જાખણીયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
મહિલા સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓનું અવલોકન કરવામાં આવ્યું. પશુપાલન અને ખેતીવાડી ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર બહેનોના અનુભવો સાંભળવામાં આવ્યા. શી ટીમ, પોલીસ આધારિત સહાય કેન્દ્રો, સખી વન સ્ટોપ સેન્ટર અને 181 અભયમ હેલ્પલાઇન જેવી સંસ્થાઓના કાર્ય વિશે પણ માહિતગાર કરવામાં આવ્યું હતું.
વ્હાલી દિકરી યોજના અંતર્ગત બે લાભાર્થીઓને મંજૂરીના હુકમ આપવામાં આવ્યા હતા અને દિકરી વધામણાં કિટ આપીને તેમનો સન્માન કરવામાં આવ્યો હતો. ઉપરાંત, મહિલા સરપંચો, પશુપાલક બહેનો અને ખેડૂત મહિલાઓને પણ તેમના યોગદાન બદલ સમ્માનિત કરવામાં આવ્યા હતા. બાલિકા પંચાયતની દિકરીઓને માસિક ધર્મસ્રાવ હાઇજીન કિટ આપવામાં આવી હતી.
કાર્યક્રમનો અંત આભાર વિધિ સાથે થયો, જે DHEW યોજનાની ટીમ દ્વારા કરવામાં આવ્યો. આ ઉજવણીમાં નારી શક્તિના મહત્વને ઉજાગર કરી, ગામડાં સુધીની મહિલાઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી ઘડી નિવડ્યો હતો.