ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ચોથી વખત 100% ભરાયો : પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં એલર્ટ જાહેર.

ભાવનગર જિલ્લામાં વરસેલા સારા વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. આજે તા. 20 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે શેત્રુંજી ડેમ ફરી એકવાર 100% ભરાઈ ગયો છે. આ ચોમાસાની સીઝનમાં ડેમ ચોથી વખત સંપૂર્ણ ક્ષમતા સુધી ભરાયો છે.

બપોરે 12 વાગ્યે પાણીના સ્તરમાં વધારો થતા 20 દરવાજા 0.3 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરે 12.15 વાગ્યે વધતી આવકને ધ્યાનમાં લઈને વધારાના 59 દરવાજા 0.3 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા જેથી ડેમની સુરક્ષા જળવાઈ રહે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ડેમ 17 જૂન 2025 એ પહેલીવાર, 6 જુલાઈ 2025 એ બીજીવાર, તેમજ 13 જુલાઈ 2025 એ ત્રીજીવાર 100% ભરાયો હતો. સતત સારા વરસાદથી ચોમાસાની મધ્યવર્તી સીઝનમાં ચોથી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની ઘટના નોંધાઈ છે.

ડેમમાંથી પાણી છોડાતા અસરગ્રસ્ત વિસ્તારોમાં પાલીતાણા તાલુકાના ગામડાં જેમ કે નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તથા તળાજા તાલુકાના ગામડાં ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટીતંત્રે આ ગામોમાં રહેતા નાગરિકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ગામલોકોને અગાઉથી જ ચેતવણી આપી છે. પાણીની આવક યથાવત રહેવા પાત્ર હોવાથી ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અહેવાલ : સતાર મેતર, સિહોર