ભાવનગર જિલ્લામાં દલિત સમાજના નાગરિકો પર અત્યાચારની ઘટના સામે આવી છે.
લાખણકા ગામના દલિત નાગરિક દાનાભાઇ રાઠોડે રેશન શોપ ડીલર અનિલભાઈ બારૈયા (પાલિવાળ બ્રાહ્મણ) સામે જિલ્લા પુરવઠા વિભાગ અને કલેક્ટર સાહેબને લેખિતમાં ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવાયું હતું કે રેશન ડીલર ગરીબોને નિયમિત જીવન જરૂરી વસ્તુઓ આપતો નથી, ખોટી નોંધણી કરે છે અને હેરાનગતિ પહોંચાડે છે.
પરંતુ આ ફરિયાદની તપાસ શરૂ થાય એ પહેલા જ આરોપી ડીલર અનિલભાઈ બારૈયાએ દાનાભાઈ રાઠોડ અને તેમના દિકરા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં બન્નેના પગ ભાંગી નાખવામાં આવ્યા અને ગંભીર ઈજાઓ થતાં હાલ તેઓ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટનાને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી હતી અને સાથે સાથે આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢવાની પણ માંગણી કરી હતી.
આવેદનપત્ર આપતી વખતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા, ભીમસેનાના નલીન પટેલ, હષદભાઈ બાંભણિયા, દીપેશ બોરીચા, રધુભાઈ ડાભી, હરેશ સરધારા, નિરુબેન રાઠોડ, ગીરીશ સરવૈયા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
સમાજના આગેવાનોની સ્પષ્ટ માંગ છે કે પીડિતોને તાત્કાલિક પોલીસ સુરક્ષા આપવામાં આવે, આરોપીઓ સામે કડક ગુન્હો દાખલ કરવામાં આવે અને પીડિતોને ન્યાય મળે.
📍 અહેવાલ – સતાર મેતર, સિહોર