ભાવનગર ડિવિઝનથી ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાઈ.

યાત્રિકોની વધતી આવનજાવન અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર રેલવે મંડળ અંતર્ગત ચાલી રહેલી 3 જોડી દૈનિક સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 30 સપ્ટેમ્બર 2025 સુધી જ ચાલવાની હતી. પરંતુ હવે આ ટ્રેનોની અવધિ વધારીને 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી દેવામાં આવી છે.

ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે આ નિર્ણયથી રોજિંદા મુસાફરી કરતા હજારો યાત્રિકોને મોટી રાહત મળશે. કારણ કે આ ટ્રેનો મુખ્યત્વે લોકલ મુસાફરોની રોજબરોજની આવનજાવન માટે અનિવાર્ય બની ગઈ છે.

ટ્રેનોની વિગત નીચે મુજબ છે :

  • ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ સ્પેશિયલ (ટ્રેન નંબર 09211/09212)
    આ ટ્રેન જે અગાઉ માત્ર 30 સપ્ટેમ્બર 2025 સુધી જ અધિસૂચિત હતી, તેની અવધિ લંબાવીને હવે 31 ડિસેમ્બર 2025 સુધી વધારવામાં આવી છે.

  • ભાવનગર – ગાંધીગ્રામ – ભાવનગર સ્પેશિયલ (ટ્રેન નંબર 09216/09215)
    ભાવનગરથી ગાંધીગ્રામ જતી અને ગાંધીગ્રામથી ભાવનગર આવતી દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનની સેવા પણ હવે ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે.

  • ભાવનગર – ધોલા – ભાવનગર સ્પેશિયલ (ટ્રેન નંબર 09530/09529)
    ભાવનગરથી ધોલા જતા તથા ધોલાથી ભાવનગર પરત ફરતા મુસાફરો માટે આ ટ્રેનની ફ્રિક્વન્સી પણ વધારવામાં આવી છે.

આ ત્રણેય ટ્રેનો અનરિઝર્વ્ડ હોવાથી સામાન્ય યાત્રિકોને ટિકિટ સરળતાથી મળી શકે છે. ખાસ કરીને ઓફિસ જનારાઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા વ્યવસાય માટે મુસાફરી કરનારાઓને આ સુવિધા ખૂબ જ મદદરૂપ થશે.

આ નિર્ણયને કારણે ભાવનગર વિભાગના ગામડાં અને શહેરોને વધુ સારી કનેક્ટિવિટી મળી રહેશે. સાથે જ પંડિત દિનદયાળ ઉપાધ્યાય રેલવે વિઝન હેઠળ “સુવિધા, સુલભતા અને સુરક્ષા”ના ધ્યેયને આગળ વધારવામાં મદદ મળશે.

📌 રેલવે વિભાગના આ પગલાને લઈને સ્થાનિક મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે 30 સપ્ટેમ્બરના પછી મુસાફરી મુશ્કેલ બની રહેવાની શક્યતા હતી. હવે ડિસેમ્બર સુધી આ ટ્રેનો ચાલુ રહેતા તહેવારોના સીઝનમાં મુસાફરી વધુ સરળ બની રહેશે.


✍️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ