
ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 128 સિંહોના જીવ બચાવાયા છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે 13.01.2025 (સોમવાર)ના રોજ લોકો પાઇલટ શ્રી બલીરામ કુમાર અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ શ્રી દિનેશ ચન્દ દ્વારા કાંસિયાનેસ-સાસણ ગીર સેક્શનમાં કિમી નં. 116/5-116/9 વચ્ચે એક સિંહ અને એક સિંહણને રેલવે ટ્રેક ક્રોસ કરતા જોઈને પેસેન્જર ટ્રેન નં. 52946 અમરેલી-વેરાવળને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી.
ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર શ્રી રાણાભાઈ ગઢવી દ્વારા ટ્રેક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે બધી સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યાર બાદ, ટ્રેનને લોકો પાયલટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)