ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યો

ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 86 સિંહોના જીવ બચાવાયા છે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે જણાવ્યું કે 17.11.2024 (રવિવાર)ના રોજ લોકો પાયલટ શ્રી રામ બહાદુર વર્મા (મુખ્ય મથક-સુરેન્દ્રનગર) અને સહાયક લોકો પાયલટ શ્રી મોહમ્મદ હનીફ ખાન (મુખ્ય મથક-બોટાદ) એ લીલીયા મોટા – સાવરકુંડલા સેક્શન વચ્ચે કિ.મી. નંબર 47/16 ના બ્રિજ નં. 28 પર જ્યારે 01 એશિયાટીક સિંહને રેલવે ટ્રેકની ખૂબ નજીક ચાલતો જોયો, ત્યારે પીપાવાવ પોર્ટ તરફ જતી ગુડ્સ ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવીને રોકી દીધો હતો. આ ઘટનાનું ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફોરેસ્ટ ગાર્ડ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા અને જોયું કે સિંહ પુલ પરથી નીચે આવી ગયો હતો. ત્યારબાદ તમામ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળતા ફોરેસ્ટ ગાર્ડ શ્રી મહિપતભાઈ દ્વારા લોકો પાઈલટને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું.

પ્રસ્થાન સિગ્નલ મળ્યા બાદ, ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્થાન (પીપાવાવ પોર્ટ) તરફ લઈ જવામાં આવી હતી. માહિતી મળતાં એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)