ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓની મદદથી જૂનાગઢના વેઈટિંગ રૂમમાં પડેલો રૂ.30 હજારની કિંમતનો મોબાઈલ ફોન મુસાફરને પરત કરાયો.

જૂનાગઢ

વેસ્ટર્ન રેલવેનું ભાવનગર ડિવિઝન તેના મુસાફરોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. આ કડ઼ીમાં મંગળવારે જૂનાગઢથી ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા દૈનિક એક્સપ્રેસ ટ્રેનમાં એક મુસાફર મુસાફરી કરી રહ્યો હતો. મુસાફરી દરમિયાન તેને યાદ આવ્યું કે તેનો મોબાઈલ ફોન જૂનાગઢ સ્ટેશનના એસી વેઈટિંગ રૂમમાં રહી ગયો હતો. તેણે તરત જ ટ્રેનની અંદર ટિકિટ ચેકિંગ સ્ટાફનો સંપર્ક કર્યો. ટિકિટ ચેકિંગ સ્ટાફે જૂનાગઢના ટિકિટ ચેકિંગ સ્ટાફ શ્રી ચેતન દેવાણી (સીટીઆઈ) અને શ્રી તનવીર એ. એસ. (ડીસીટીઆઈ) ને મોબાઇલ થી સંપર્ક કર્યો અને એસી વેઈટિંગ રૂમમાં યાત્રીનો મોબાઈલ રહી ગયો હોવાની જાણ કરી. ટીકીટ ચેકીંગ સ્ટાફ શ્રી તનવીર એ. એસ. (DCTI)એ જઈને જોયું તો મોબાઈલ વેઈટિંગ રૂમમાં પડેલ હતો. મુસાફરને આ અંગેની જાણ કરવામાં આવી ત્યારે તેણે તેના સંબંધીને સ્ટેશન પર મોકલ્યો. ટિકિટ ચેકિંગ સ્ટાફે સ્ટેશન માસ્તર અને રેલવે પ્રોટેક્શન ફોર્સની હાજરીમાં પેસેન્જરના સંબંધીને મોબાઈલ ફોન પરત આપ્યો. પૂછપરછ કરતા પેસેન્જરે મોબાઈલ ફોનની કિંમત 30,000 રૂપિયા હોવાનું જણાવ્યું હતું. યાત્રિએ રેલવે પ્રશાસનનો આભાર માન્યો તથા રેલવે કર્મચારિયોની પ્રશંસા કરી.

ભાવનગર ડિવિઝનના ઉપરોક્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી પ્રામાણિક કામગીરીને ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર તેમજ અન્ય અધિકારીઓ/કર્મચારીઓએ બિરદાવી હતી.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)