ભાવનગર રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરો QR કોડ દ્વારા ચૂકવી શકશે ટિકિટનું ભાડું.

ભાવનગર

પશ્ચિમ રેલવેનું ભાવનગર ડિવિઝન ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ કેશલેસ ટ્રાન્ઝેક્શનની દિશામાં આગળ વધીને ભાવનગર ડિવિઝનની રિઝર્વેશન ઓફિસ અને બુકિંગ ઓફિસના તમામ કાઉન્ટરો પર QR કોડ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે. રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ હેઠળ, રેલ ટિકિટ માટે QR કોડ દ્વારા ચુકવણી સ્વીકારવાની સુવિધા ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ, બોટાદ, ગાંધીગ્રામ, જૂનાગઢ, પોરબંદર, વેરાવલ સહિત તમામ નાના-મોટા સ્ટેશનોના તમામ આરક્ષિત અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે UTS મોબાઈલ એપ, ATVM, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પોની ઍક્સેસ છે. આ પ્રકારની ડિજીટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના હેતુથી ભાવનગર ડિવિઝન દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હવે મુસાફરોને QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

આ પ્રયાસ રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરીને વધુ અનુકૂળ અને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું પ્રોત્સાહન છે. ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે મુસાફરોને ટિકિટનું ભાડું ડિજિટલ રીતે ચૂકવવા માટે QR કોડનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)