ભાવનગર
78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાવનગર ડિવિઝન ખાતે સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે ડિવિઝનલ રેલ્વે મેનેજરનું ભાવનગર પરા રેલ્વે સ્ટેડિયમ ખાતે વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી રામરાજ મીણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સલામી આપી સ્ટેજ પર લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે રેલ્વે સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી. ત્યાર બાદ ડિવિઝનલ રેલવે મેનેજરે રેલવે પ્રોટેક્શન ફોર્સ, ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ, સેન્ટ જોન એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સૌએ પરેડની સુંદર ઝાંખી રજૂ કરી હતી. ત્યારબાદ ડિવિઝનલ રેલ્વે મેનેજરે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો. બાલ મંદિર, કિડ્સ હટ અને કેન્દ્રીય વિદ્યાલયના બાળકોએ ઘણા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા, સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદ, ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ, ડિવિઝનના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડિવિઝનલ રેલવે મેનેજરે ઇનામ વિતરણ કર્યું હતું. સમગ્ર ભાવનગર ડિવિઝનના સ્ટેશનો અને અન્ય રેલ્વે એકમો પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દરેક જગ્યાએ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને ધ્વજને સલામી આપવામાં આવી હતી.
78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાવનગર રેલ્વે હોસ્પિટલના દર્દીઓની સુવિધા માટે બનાવવામાં આવેલ “પરિજન સેલ”નું ઉદઘાટન પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ ની અધ્યક્ષા શ્રીમતી સંતોષીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે ભાવનગર રેલ્વે હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધીક્ષક ડો. સુબોધ કુમારને “પરિજન સેલ”ની જાળવણી માટે સહાયની રકમનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર ડિવિઝનના પ્રમુખ શ્રીમતી સંતોષીજી અને અન્ય પદાધિકારિયો દ્વારા ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળ અને ભેટ આપવામાં આવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)