ભાવનગર
ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 60 સિંહોના જીવ બચાવાયા છે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, 28 ઓગસ્ટ, 2024 (બુધવાર) ના રોજ, લોકો પાયલટ શ્રી ભૂપેન્દ્ર મીણા (મુખ્ય મથક – બોટાદ) એ કિમી નં. 19/9 -20/0 સમયે ગુડ્સ ટ્રેન નંબર BCNE/PPSP ને રાજુલા-પીપાવાવ સેક્શન વચ્ચે 04.30 કલાકે, વન વિભાગના કર્મચારીઓએ ખતરાના સંકેત દર્શાવ્યા બાદ ઇમરજન્સી બ્રેક લગાવીને તેને અટકાવી હતી. જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે લોકો પાયલોટે જોયું કે એક પછી એક 5 સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે. ટ્રેન મેનેજરને આ અંગે લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર તરફથી સિગ્નલ મળતાં કે ટ્રેક સાફ થઈ ગયો છે, ગુડ્સ ટ્રેનને લોકો પાઈલટ દ્વારા ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા લોકો પાયલોટની પ્રશંસનીય કામગીરી માટે પ્રશંસા કરવામાં આવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)