ભુજમાં ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી: ૧૭ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા, ₹17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત!

ભુજ: પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. દ્વારા નાર્કોટિક્સ વિરુદ્ધ કડક પગલાં હેઠળ ભુજ શહેરમાં મોટી કામગીરીને અંજામ આપવામાં આવ્યો છે. ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી.ના સ્ટાફે શેખપીર ત્રણ રસ્તા પાસે ચાલતી આઈસર ટ્રકમાંથી ૧૭ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે બે શંકાસ્પદ ઇસમોને ઝડપી લીધા છે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાર્કોટિક્સ સામે ઝીરો ટોલરન્સની હુકમામણીના પગલે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવીએ સ્ટાફને સતત ચાંપતી નજર રાખવાની સૂચના આપી હતી. જેના અનુસંધાને પો.હે.કો. રઘુવિરસિંહ જાડેજા અને એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલાએ મળેલી ગુપ્ત બાતમીને આધારે સમયસર કાર્યવાહી કરતા શેખપીર દરગાહ પાછળ “ચુડા મરચા” સ્ટોલની બાજુમાં પાર્ક કરેલી આઈસર ટ્રકમાં તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ટ્રકમાંથી ૧૭ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું, જેની અંદાજીત કિંમત ₹૧,૭૦,૦૦૦/- જેટલી થાય છે. આરોપીઓની ઓળખ કરીમ સીધીક મમણ (ઉ.વ. ૩૨, નાનું વરનોરા) અને હરેશ વાલજી કેરાસીયા (ઉ.વ. ૩૪, ઝીંકડી) તરીકે થઇ છે. બંને આરોપીઓ અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

પોલીસે તળાશી દરમિયાન નીચે મુજબનો કુલ ₹૧૭,૦૩,૯૮૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • એમ.ડી. ડ્રગ્સ – ૧૭ ગ્રામ (કિંમત: ₹૧,૭૦,૦૦૦/-)
  • મોબાઈલ ફોન – ૨ नग (કિંમત: ₹૧૩,૦૦૦/-)
  • રોકડ રકમ – ₹૨૦,૯૮૫/-
  • આઈસર ટ્રક – (કિંમત: ₹૧૫,૦૦,૦૦૦/-)

આ અંગે પધ્ધર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ઍક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મહત્વપૂર્ણ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવી, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલા, પો.હે.કો. રઘુવિરસિંહ જાડેજા, દિનેશભાઈ ગઢવી, ભાવેશભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ડ્રા. મહિપતસિંહ સોલંકી અને પો.કોન્સ. દિનેશભાઈ ચૌધરીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

પોલીસનો જણાવો છે કે નાર્કોટિક્સ જેવી સામાજિક બુરાઈઓ સામે રણનીતિ સાથે ઝંબેશ ચાલુ રહેશે અને આવા તત્વો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ: નિલેશ ભટ્ટ, ભુજ