ભુજમાં ત્રણ ઠગ બંધુઓએ 1.23 કરોડની મિલકત ખરીદી છેતરપિંડી કરી; એલ.સી.બી.ની ઝડપી કાર્યવાહી

ભુજ :
ભુજમાં ત્રણ બંધુઓ દ્વારા સંગઠિત રીતે 1.23 કરોડની સ્થાવર અને જંગમ મિલકત ખરીદવામાં આવી છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવતા એલ.સી.બી.એ કાર્યવાહી હાથ ધરી છે.

એલ.સી.બી.ના પીએસઆઈ એચ.આર. જેઠી દ્વારા ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે એરપોર્ટ રોડ, ગાંધીનગરી વિસ્તારમાં રહેતા જુસબ વલીમામદ કકલ, હુસેન વલીમામદ કકલ અને દિલાવર વલીમામદ કકલ સામે ગુનો નોંધાયો છે.

આ ત્રણેય બંધુઓએ વર્ષ 2002થી 2022 સુધી સાગરિતો સાથે મળીને સંગઠિત ગુના આચરી લોકો સાથે ઠગાઈ અને છેતરપિંડીનાં બનાવોને અંજામ આપ્યો હતો. ભુજ અને મુન્દ્રા વિસ્તારમાં હિંસા, ધમકી અને જમીન પચાવી પાડવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ રહી, સસ્તા સોનાની લાલચ આપી લોકોને છેતર્યા હતા.

આરોપીઓએ બેનામી મિલકતો વસાવી સંગઠિત ગુનાઓ આચર્યા હતા. એલ.સી.બી.ના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાની સૂચનાથી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધાઇ, ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ છે.

ત્રણમાંથી એક આરોપી હુસેન વલીમામદ કકલને એલ.સી.બી.એ નિરોણા વિસ્તારમાંથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.