મહાનગરપાલિકા જુનાગઢની આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા ભૂલકા મેળો-૨૦૨૪ કાર્યક્રમ યોજાયો.

આઈ.સી.ડી.એસ.શાખા, મહા નગરપાલિકા, જુનાગઢ દ્વારા પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોલ, મહાનગરપાલિકા,જુનાગઢ ખાતે કમિશ્નરશ્રીના અધ્યક્ષસ્થાને ભુલકા મેળા-૨૦૨૪નું આયોજન કરવામા આવેલ. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત દર વર્ષે ભુલકા મેળાનું આયોજન કરવામાં આવે છે.આ ભુલકા મેળામાં આંગણવાડી ખાતે આવતા બાળકો દ્વારા એક પાત્રિય અભિનય, બાળ વાર્તા, બાળ ગીત જેવી જુદી-જુદી કૃતિઓ રજુ કરવામાં આવેલ.આ મેળામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડીની જુદી-જુદી ૧૭ થીમો આધારીત લો કોસ્ટ વેસ્ટ માંથી બેસ્ટ એવા ટી.એલ.એમ. બનાવી પ્રદર્શનમાં મુકવામાં આવેલ હતા.

ટી.એલ.એમ.ના નિર્ણાયક તરીકે યુ.સી.ડી. શાખાના પ્રોજેક્ટ ઓફીસરશ્રી, નીશાબેન ધાંધલ તથા મજેવડી પે સેન્ટર શાળાના આચાર્યશ્રી તરૂણકુમાર કાટબામણા ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. શાખા, મનપા, જુનાગઢના ઇ.ચા.પ્રોગ્રામ ઓફીસરશ્રી ચેતન સોજીત્રા દ્વારા આઇ.સી.ડી.એસ. હેઠળ કાર્યરત તમામ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી ભુલકા મેળામાં પુર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આંગણવાડી દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોના વાલીઓને માહિતગાર કરી આંગણવાડીનો લાભ લેવા પ્રોત્સાહન આપવામાં આવેલ.
આ તકે માન.કમિશનરશ્રીની હાજરીમાં ભારતીય સંવિધાન દિવસની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમમાં હાજર લાભાર્થી, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તેમજ કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવેલ. માન. કમિશનરશ્રી તેમજ પુર્વ મેયરશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરવામાં આવેલ. તેમજ બાળકો ના વિકાસ લક્ષી ઘડતર અને પાયા અંગે બાળકોના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે નિર્ણાયકો દ્વારા ટી.એલ.એમ રજુ કરનાર આંગણવાડી કાર્યકર બહેનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિઓ રજુ કરનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે ઇ.ચા.પ્રોગ્રામ ઓફીસરશ્રીએ આભારવિધિ કરી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)