
ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની નગરપાલિકાઓના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની નગરપાલિકાઓની સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિકાસ કાર્યોની વિગતો મેળવી હતી, આ સાથે તેમણે પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરતા વિકાસ કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, વહીવટી પ્રક્રિયાના કારણે વિકાસ કાર્યોમાં વિલંબ ન થવો જોઈએ.ઉપરાંત જન પ્રતિનિધિશ્રીઓ અને પદાધિકારી તરફથી રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે પણ ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. તેમજ ગુજરાત સરકાર અને રિજીયોનલ કમિશનર કક્ષાના પ્રશ્નોના હલ માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો.
કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રજાજનોને સ્પર્શતા રોડ રસ્તા, ગટર, પાણી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવાસસિયા, કમિશનર શ્રી ઓમ પ્રકાશ, નાયબ વન સંરક્ષકશ્રી પ્રશાંત તોમર,નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ જિલ્લા શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા ઉપરાંત નગરપાલિકાઓના હોદ્દેદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી સહિત સંલગ્ન વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)