મહારાષ્ટ્રના ખેડૂત બોરસે પરિવારના એક ના એક દીકરાને રોડ અકસ્માતમાં હાથ, પગ અને પાંસળીના ૧૫થી વધુ હાડકાના ફ્રેક્ચરનું જટિલ સફળ ઓપરેશન કરી નવી સિવિલના સર્જરી અને ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે. ૩૮ વર્ષિય અમોલ બોરસેના ડાબા પગમાં ફ્રેક્ચર, પાંસળીના હાડકાનું ફ્રેક્ચર અને હાથના અંગુઠા અને આંગળીના ફ્રેક્ચરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પ્રાઈવેટ હોસ્પિટલમાં થતી લાખ્ખોની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે થવાથી મહારાષ્ટ્રના મોહાળી ગામના સામાજિક અગ્રણી ભાવિની રામચંદ્ર પાટીલે નવી સિવિલના તબીબોની સેવાને બિરદાવી હતી.
મહારાષ્ટ્રના મોહાળી ગામના સામાજિક અગ્રણી ભાવિની રામચંદ્ર પાટીલે બિરદાવી નવી સિવિલના તબીબોની સેવા
અમોલ દત્તાત્રેય બોરસેના પરિવારમાં માતા, પત્ની અને ૧૦ વર્ષનો દીકરો અને ૬ વર્ષની દીકરી સાથે રહીને ખેતી કરીને ગુજરાન ચલાવે છે.
મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના સોય ગામના ખેડૂત અમોલ બોરસે સાંજે ખેતરેથી ઘરે પાછા જતી વખતે રોડ અકસ્માતમાં પોતાના ડાબા પગ પર ગાડીનું ટાયર ફરી જતા પગમાં ૧૦થી ૧૨ ફ્રેક્ચર અને હાથના અંગુઠા-આંગળી અને પાંસળીમાં કુલ ૧૫થી વધુ ફ્રેક્ચર થયા હતા. જેઓને અત્યંત ગંભીર હાલતમાં મહારાષ્ટ્રના જલગાંવની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાંમાં ગત તા.૧૩મી નવેમ્બરના રોજ દાખલ કર્યા હતા.
સર્જરી વિભાગના પ્રોફેસર ડો.બીના વૈદ્યના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, ગત તા.૧૩મી નવેમ્બરે રાત્રે અમોલ બોરસેને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી. રોડ એક્સિડન્ટમાં અમોલને પાંસળીના હાડકામાં ફ્રેક્ચરના કારણે છાતીમાં લોહીનો ભરાવો થવાથી ન્યુમો થોરેક્સ થયું હતું. નળી વડે લોહીનો બગાડ બહાર કાઢવામાં આવ્યો અનેપાંસળીના હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ૩ દિવસ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સ્વાસ્થ્ય સ્થિર થતા પગ, હાથના હાડકાના ઓપરેશન માટે ઓર્થો વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.