માંગરોળ જુની મામલતદાર કચેરી પાસે વિજ કરંટ બે ગૌધન માટે બન્યો કાળ..

જુનાગઢ

માંગરોળમાં જ્યાં આજુબાજુમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે તેવા જુની મામલતદાર કચેરી કંપાઉન્ડમાં અર્થિંગ વાયરમાંથી વિજશોક લાગતા ગાય અને ધણખૂંટના મોત નિપજયા હતા. વર્ષોથી બંધ પડેલી કચેરીમાં ખુલ્લા મીટર અને લટકતા જર્જરિત વિજવાયરો બાબતે કોઈ દરકાર લેવામાં આવી ન હતી. તંત્રની ઘોર બેદરકારી બે અબોલ જીવોને ભરખી જતાં ગૌભકતોમાં રોષ ફેલાયો હતો.

શહેરમાં તાલુકા પંચાયત, પોલીસ વિભાગ, આધારકાર્ડ સંબંધિત કામગીરી, મામલતદાર સહિતની કચેરી જ્યાં આવેલી છે અને દિવસ દરમ્યાન અરજદારોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય છે. ત્યાં જુની મામલતદાર કચેરી નજીક આજે બપોર બાદ વરસાદી માહોલમાં અર્થિંગ વાયરમાંથી વિજશોક લાગતા ગાય ભાંભરડા પાડવા લાગી હતી. ત્યારબાદ એક ઘણખુંટ તેને બચાવવા જતાં બન્ને જીવોના તરફડીને મોત થયા હતા. બનાવ અંગે તંત્રને જાણ કરાતા વિજ પુરવઠો બંધ કરાયો હતો. મામલતદાર અને પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ જ જગ્યાએ ગત વર્ષે એક ગાયનું વિજશોકથી મોત નિપજ્યું હોવાનું ઘટના સ્થળે એકત્રિત લોકોએ જણાવ્યું હતું. મામલતદાર કચેરી અહીંથી સ્થળાંતર થયાને આશરે ૧૦ થી ૧૨ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. પરંતુ કચેરીની અંદર ખુલ્લા મીટરો અને જર્જરિત વાયરો જેમતેમ લટકી રહ્યા છે. આ બાબતે બંને વિભાગો દ્વારા કોઈ દરકાર જ લેવામાં આવી ન હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે લોકો, અરજદારોથી ધમધમતી આ જગ્યાએ જો મુંગા જીવને બદલે કોઈ માણસની જાનહાનિ થઈ હોત તો જવાબદારી કોની ? તેવો સવાલ ઉઠી રહ્યો છે..

અહેવાલ- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)