માંગરોળ તાલુકાના વિજયભાઈ વિરાભાઈ પરમારની પ્રાકૃતિક ખેતી દ્વારા આવકમાં થયો નોંધપાત્ર વધારો..

જુનાગઢ

માંગરોળ તાલુકાના શેપા ગામના વિજયભાઈ વિરાભાઈ પરમાર કે જેઓ બાળપણથી ખેતી સાથે જોડાયેલ છે અને M.A. B.Ed સુધી અભ્યાસ કરેલ છે. તેઓ વર્ષ ૨૦૧૫-૧૬ થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું હાલ તેઓ કામધેનુ પ્રાકૃતિક ફાર્મ હેઠળ વેચાણ કરી રહ્યા છે, સાથે-સાથે ૧૦ થી વધારે જુ.કૃ.યુ., SPNF અને આત્માની તાલીમમાં ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું અને ધીમે ધીમે ખેતીની શરૂઆત કરી જેમાં પાયામાં ઘન જીવામૃત ખાતર નાખ્યું ત્યાર બાદ બીજને પટ આપવા માટે બીજામૃતનો ઉપયોગ કર્યો અને રોગ જીવાતના નિવારણ માટે નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો જરૂરિયાત મુજબ છંટકાવ કરેલ. વિજયભાઈ વિરાભાઈ પરમારે આસપાસના ગામોના ૯૦૦૦ થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા કૃષી તાલીમ પણ આપી છે.

રાસાયણીક ખેતી કરતા પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ ઘણો ઓછો અને આવક વધારે

ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલા અનુભવો અંગે વિજયભાઈ વિરાભાઈ પરમાર એ જણાવ્યું કે અમારા માંગરોળ તાલુકાના મુખ્ય પાકોમાં મગફળી, તુવેર અને રવિ પાકોમાં ઘઉં, બાજરાનો સમાવેશ થાય છે. અમારા વિસ્તારમાં લગભગ મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. શરૂઆતમાં એકર દિઠ વધારે ઉત્પાદન મળતું હતું પરંતુ જેમ-જેમ વર્ષો વીતતા ગયા તેમ ઉત્પાદન ઘટવા લાગ્યા. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી અને ઉત્પાદન સાવ ઓછું થવા લાગ્યું. રાસાયણિક ખેતીની મુશ્કેલીઓ એ જોવા મળતી કે જમીન બંજર થવા લાગતી હતી, જેમાં ખાતર અને દવાનો ભાગ વધારે જોવા મળતો હતો. જેથી ઉત્પાદન ઘટવા લાગતુ હતું અને ખર્ચ વધારે આવતો હતો. જ્યારે જમીનમાં અળસિયાઓની સંખ્યા પણ ઘટવા લાગી હતી અને જમીન કડક થવા લાગી સાથે સેન્દ્રીય કાર્બનમાં પણ ઘટાડો થવા લાગ્યો હતો. જેથી જમીનમાં પિયત વધારે આપવું પડતું. આમ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા ખર્ચ વધવાથી નફો ઓછો મળતો હતો.

આ પ્રાકૃતિક ખેતીમાં આજે મગફળી, ઘઉં, ચણા, ધાણા, જીરું, તુવેર, હળદર અને શાકભાજી જેવા પાકો લેવામાં આવે છે. રાસાયણિક ખેતી સામે પ્રાકૃતિક ખેતીમાં ઘણા બદલાવ આવતા જોવા મળ્યા છે. જેમાં જમીનની ફળદ્રુપતા ખૂબ વધારે જોવા મળે છે. જમીન ભરભરી થવા લાગી છે. તેમજ જમીનમાં અળસિયાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. હાલમા જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિન ઉપજાવ બની ગયેલ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી હતી. જમીનમાં અળસિયા ઉત્પન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી જેથી ઉત્પાદનમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. પાકની ગુણવત્તા, સ્વાદ અને સુગંધમાં પણ બદલાવ જોવા મળ્યો છે. જેથી પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ ઘણો ઓછો થવા લાગ્યો અને ખર્ચ ઘટવાથી આવક વધારો જોવા મળ્યો. આમ પ્રાક્રુતિક કૃષિમાં જમીન સુધરે છે અને લોકોને શુધ્ધ આહાર ખોરાક માટે મળી રહે છે.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)