માંગરોળ તાલુકાનાં સાબલી નદી પરના પુલ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ, વૈકલ્પિક માર્ગ જાહેર.

જૂનાગઢ, તા. 13 — માંગરોળ તાલુકાના સામરડા તરફ જતા માર્ગ પર આવેલી સાબલી નદી પરનો પુલ ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે નુકસાન પામ્યો છે. પુલની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા, વાહનચાલકોની સુરક્ષા માટે તમામ પ્રકારના વાહનોનું અવરજવર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

જૂનાગઢ જિલ્લાના અધિક મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, આ પુલ પરથી હલકાં તેમજ ભારે તમામ પ્રકારના વાહનોને પસાર થવા પર પ્રતિબંધ રહેશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, પુલની મજબૂતી ઓછી થઈ હોવાને કારણે કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે આ પ્રતિબંધ તાત્કાલિક અમલમાં મૂકાયો છે.

રસ્તો બંધ થતા, મુસાફરો અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. વૈકલ્પિક માર્ગ તરીકે સામરડા – મેખડી – આજક નેશનલ હાઈવે 51 માધવપુર અને માધવપુર – પાતા – સરમા – સામરડા રૂટનો ઉપયોગ કરી શકાશે.

આ પ્રતિબંધ આજથી અમલમાં આવી ગયો છે અને આગામી 10 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, પુલની મરામત તથા સુરક્ષા ચકાસણી પૂર્ણ થયા બાદ જ તેને ફરીથી વાહન વ્યવહાર માટે ખોલવામાં આવશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ