માણાવદર તાલુકાના સરાડીયા આસપાસ સાત જેટલા લોકોને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના નિદર્શન કામગીરી હેઠળ રેસ્ક્યુ કરાયા

જૂનાગઢ

રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે. માણાવદર તાલુકાના સરાડીયા ગામે અને આસપાસ વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા સાત વ્યક્તિઓને જાણકારી મળતા જૂનાગઢ કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના નિદર્શન કામગીરી હેઠળ માણાવદર તાલુકાના સરાડીયા ગામે વાડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

આ કામગીરી અન્વયે મામલતદાર શ્રી મારૂ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા એસ.ડી.આર.એફ ટીમની મદદ થકી રેસ્ક્યુ કાર્યને સફળ બનાવવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરવામાં આવેલ સાતેય વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી તેમની મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી અને તેમને ખોરાક અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે ભારે વરસાદમાં કોઇ પણ જાન માલની નુકાશની ના થાય તે દિશામાં જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાનાં સીધા માર્ગદર્શન તળે વહીવટી તંત્રની ટીમ અને એસ.ડી.આર.એફનાં જવાનો ખડેપગે કામ કરી રહ્યા છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)