
માળીયા હાટી:
માળીયા હાટીના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા ગોવર્ધનનાથજી હવેલી ખાતે પુષ્ટિમાર્ગના સંસ્થાપક અને અખંડ ભૂમંડાચાર્ય શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૮મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી.
આ પાવન અવસરે વહેલી સવારથી જ હવેલીમાં ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ હતી. તિલક આરતીથી શરૂ થયેલી ઉજવણીમાં ઠાકોરજીના વિશેષ મનોરથો દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
બપોર બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પારંપરિક વાદ્યયંત્રો, સાંસ્કૃતિક રચનાઓ અને હવેલીના શોભાયમાન શૃંગાર સાથે શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી. વૈષ્ણવ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિભાવે ઠાકોરજીના દર્શન કર્યા.
સાંજે સમસ્ત વૈષ્ણવ સમાજ માટે મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને પ્રસાદ ગ્રહણ કર્યો.
આ પ્રસંગે સમગ્ર માળીયા હાટીમાં ધાર્મિક ઉમંગ અને આનંદનું વાતાવરણ છવાયું હતું. ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ સાથે ઉજવાયેલ આ ઉત્સવ વૈષ્ણવ સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો હતો.
બાઈટ: ચંદુભાઈ કક્કડ
અહેવાલ: પ્રતાપ સીસોદીયા, માળીયા હાટી